લાઠીના જરખીયા ગામે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દુકાન સામે ઊભા રહેવાની ના પાડવા બાબતે થયેલા ઝઘડામાં ચાર જેટલા શખ્સોએ એક યુવક પર તલવાર અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે રામભાઇ ઉર્ફે રામકુ દેવાયતભાઇ ડેર (ઉ.વ.૩૯)એ રાવતભાઇ આલગોતર, લક્ષમણભાઇ આલગોતર, વાસુરભાઇ લક્ષમણભાઇ આલગોતર તથા મુકેશભાઇ લક્ષમણભાઇ આલગોતર સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, રામભાઈ ઉર્ફે રામકુ ડેર તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, ‘ફુલેકામાં બે-ત્રણ જણા છે, તેમને કહી દે કે અમારી દુકાન સામે ન આવે.’ જેથી તેમણે જવાબ આપ્યો કે, ‘તમારે જેને ના પાડવી હોય તેને ના પાડો, હું કોઈને ના પાડવાનો નથી.’ આ જવાબથી ઉશ્કેરાઈને આરોપી દુકાનમાં પાછો ગયો અને થોડી જ વારમાં હાથમાં તલવાર લઈને પરત આવ્યો હતો, જ્યારે અન્ય આરોપી લાકડી લઈને આવ્યા હતા. તલવારનો ઘા ફરિયાદીની દાઢીના ભાગે માર્યો, જેનાથી લોહી નીકળે તેવી ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત અન્ય આરોપીએ ઢીકાપાટુથી મુંઢ માર માર્યો હતો. તમામ આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ હુમલો, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી એલ ખેર વધુ તપાસ કરી રહ્યા છે.