દક્ષિણ આફ્રિકા ટીમના ભૂતપૂર્વ કોચ રોબ વોલ્ટર ત્રણેય ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ પુરુષ ટીમના કોચ બન્યા છે. તેમની પાસે લાંબો અનુભવ છે, જે ન્યુઝીલેન્ડ ટીમ માટે ઉપયોગી થઈ શકે છે. તેઓ છેલ્લા બે વર્ષથી દક્ષિણ આફ્રિકન ટીમના કોચની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમના કોચિંગ હેઠળ, આફ્રિકન ટીમે ૨૦૨૩ ના વનડે વર્લ્ડ કપ અને ૨૦૨૫ ના ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઉપરાંત, આફ્રિકન ટીમ ૨૦૨૪ ના ટી ૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પહોંચી હતી.
રોબ વોલ્ટરે કહ્યું કે ન્યુઝીલેન્ડની ટીમ છેલ્લા કેટલાક સમયથી એક સારી ટીમ રહી છે. તેમાં યોગદાન આપવાની તક મળવી ખરેખર એક સૌભાગ્યની વાત છે. પ્રતિભાશાળી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે કામ કરવું એ એક મહાન તક છે. ઘણી શ્રેણીઓ યોજાવાની છે અને તકની સાથે પડકારો પણ ઓછા નથી. વોલ્ટર જુલાઈમાં ઝિમ્બાબ્વે પ્રવાસથી ટીમમાં જાડાશે.
રોબ વોલ્ટરે ૨૦૦૯ થી ૨૦૧૩ સુધી દક્ષિણ આફ્રિકા માટે સ્ટ્રેન્થ, કન્ડીશનીંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે કામ કર્યું હતું. આ પછી, તેઓ આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ અને પુણે વોરિયર્સના સહાયક કોચ પણ રહી ચૂક્યા છે. તે છેલ્લા કેટલાક સમયથી ન્યુઝીલેન્ડ-એ ટીમ સાથે પણ સંકળાયેલો છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા તેને ત્રણ વર્ષનો કરાર આપવામાં આવ્યો છે.
ન્યુઝીલેન્ડની ટીમ ૨૦૨૩ ના વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તે ભારત સામે હારી ગઈ હતી. આ પછી, ટીમ ૨૦૨૫ ના ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ અહીં પણ તેને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ આઇસીસી ટુર્નામેન્ટમાં નોકઆઉટ તબક્કામાં સારું પ્રદર્શન કરી શકી નથી. આવી સ્થિતિમાં, રોબ વોલ્ટર આના પર કામ કરવા માંગશે.