રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા શતાબ્દી વર્ષ અંતર્ગત વડિયા ખાતે હિન્દુ સંમેલનની તૈયારીરૂપે એક મહત્વની બેઠક યોજાઈ હતી. કુંકાવાવ-વડિયા તાલુકાના વડિયા ગામે બેઠક મળી હતી.આ બેઠકમાં વડિયા મંડલના આજુબાજુના ૯ ગામના સામાજિક અને ધાર્મિક મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆત ‘અવિરત આજ આપણી પૂર્ણ શતક સાધના..’ સંઘ ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર સંઘ પ્રાંત અધિકારી ગોવિંદભાઈ ટીંબડીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે તમામ પેટા સમાજનું પ્રતિનિધિત્વ જળવાય તે રીતે હિન્દુ સંમેલન સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.બેઠકમાં સર્વાનુમતે હિન્દુ સંમેલન સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ તરીકે બહાદુરભાઈ ભેડાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સચિવ, કોષાધ્યક્ષ અને કારોબારી સભ્યોની પણ ઘોષણા કરવામાં આવી હતી. આગામી તા. ૨૮/૦૨/૨૦૨૬ને શનિવારના રોજ સાંજે વડિયા મુકામે ભવ્ય હિન્દુ સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.