રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આજરોજ બગસરાના સુડાવડ મુકામે રૂ. ૪૦ લાખના ખર્ચે બ્લોક રોડ, ભૂગર્ભ ગટર સહિતના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુડાવડ ગામના ૧૦ સામાન્ય પરિવારોને રાજ્ય સરકારની જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ વપરાશ માટે વીજ કનેક્શન મળ્યા છે. ઘર વીજ વપરાશ માટે સામાન્ય પરિવારોને વીજ કનેક્શન મળતાં તેમના ચહેરાઓ પર હરખનું સ્મિત રેલાયું હતું. સુડાવડ મુકામે ગ્રામજનોની સભાને સંબોધન કરતા રાજ્યમંત્રી કૌશિકભાઈએ જણાવ્યું કે, જ્યોતિગ્રામ યોજના અન્વયે ૧૫ પરિવારના ક્લસ્ટર મુજબ વીજ કનેક્શન આપવામાં આવતા હતા. આ યોજના હેઠળ ૦૫ પરિવારના ક્લસ્ટર મુજબ પરિવારોને વીજ કનેક્શન ત્વરિત મળે તે દિશામાં આખરી નિર્ણય બાદ ત્વરાએ કામગીરી આગળ ધપશે.