રાજુલા શહેરના હોસ્પિટલ ચોક વિસ્તારમાં આજે સરકારી હોસ્પિટલ પાસે આવેલા એક જોખમી ઝાડની મોટી ડાળી અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદભાગ્યે, તૂટેલી ડાળી નીચે બે બાઇક સવાર માંડ-માંડ બચી ગયા હતા, અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ ઝાડ લાંબા સમયથી નમેલું અને જોખમી બન્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા. ડાળી તૂટ્યા બાદ સ્થાનિક લોકોએ જ આગેવાની લઈને રોડ પરનો અવરોધ દૂર કરીને માર્ગ ખુલ્લો કર્યો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ, જો આખું ઝાડ તૂટી પડશે તો રોડ પર આવી પડવા ઉપરાંત હોસ્પિટલની દિવાલોને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ અંગે તંત્રને અનેકવાર જાણ કરવા છતાં, ઁય્ફઝ્રન્, જંગલ વિભાગ અને નગરપાલિકા જવાબદારી એકબીજા પર ઢોળી રહ્યા હતા, જેના કારણે કાર્યવાહી અટકી પડી હતી. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં તંત્રની આ લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ઝાડ વધુ જોખમી સ્થિતિમાં હોવાથી લોકોએ તાત્કાલિક ઝાડ હટાવીને સંભવિત અકસ્માત ટાળવા માટે ઝડપી પગલાં લેવાની ઉગ્ર માગણી કરી છે.