રાજુલા કોર્ટમાં કેશવ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લિમિટેડના રૂ. ૧૦.૪૯ લાખના ચેક રિટર્ન કેસમાં વિકટરના આરોપી જેન્તીભાઇ બચુભાઈ વાળાનો નિર્દોષ છુટકારો થયો છે. આરોપી તરફથી વકીલ ભાવેશ આર. સિંધવ અને અજય બી. શિયાળની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. કેસની વિગત અનુસાર, વર્ષ ૨૦૨૦માં કેશવ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લિમિટેડે આરોપી જેન્તીભાઇ વાળાને રૂ. ૧૦ લાખની લોન વાર્ષિક ૧૪ ટકાના વ્યાજે આપી હતી. આરોપી દ્વારા નિયમિત હપ્તા ન ભરવામાં આવતા, ફરિયાદીએ રૂ. ૧૦,૪૯,૭૨૪ની રકમનો ચેક વસૂલવા માટે બેંકમાં જમા કરાવ્યો હતો. આ ચેક બાઉન્સ થતા ફરિયાદીએ રાજુલા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપીએ બચાવ રજૂ કરતા જણાવ્યું હતું કે કોરા ચેકનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને ફરિયાદી બાકી રકમ અંગેનો વ્યવહાર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. બચાવ પક્ષે વકીલ ભાવેશ આર. સિંધવ, અજય બી. શિયાળ અને સાવજ એ. વિંછી રોકાયેલા હતા.