રાજુલાના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી સાયબર ફ્રોડના લાખો રૂપિયા ટ્રાન્સફર કરવાના ગુનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં કમિશનની લાલચ આપીને કરન્ટ એકાઉન્ટ ખોલાવી, તેમાં છેતરપિંડીના નાણાં મંગાવીને ઉપાડી લેવાનું વ્યવસ્થિત કૌભાંડ સામે આવ્યું હતું. ભાવનગરમાં રહેતા રોનક દિનેશભાઇ બારૈયા, સોયબ ગફારભાઇ હબીદાણી તથા યાસીન ઉર્ફે માણીયો કરીમભાઇ ઓપયાની સામે ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ સોયબ હબીદાણી અને યાસીને ભેગા મળીને રોનક બારૈયાને વિશ્વાસમાં લીધો હતો. તેમણે રોનક બારૈયાની રાજુલા સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં એક કરન્ટ એકાઉન્ટ ખોલાવવા માટે જણાવ્યું હતું. આ એકાઉન્ટમાં જે કંઈ પણ નાણાકીય વ્યવહાર (ટ્રાન્જેક્શન) થાય, તેના પર કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, રોનક બારૈયાના બેંક એકાઉન્ટમાં સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર નોંધાયેલી ફરિયાદ મુજબના ચાર અલગ-અલગ અરજદારો સાથે થયેલી છેતરપિંડીના કુલ રૂ. ૧૨,૨૮,૦૦૦ જમા થયા હતા. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા આ ચોરીના રૂપિયા બેંકમાંથી ઉપાડી લઈ, તમામ આરોપીઓએ પોતાના અંગત આર્થિક ફાયદા માટે વહેંચી લીધા હતા. સાયબર ક્રાઈમના આ નાણાં સગેવગે કરવા બદલ પોલીસે ત્હોમતદારો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ એકાઉન્ટનો ઉપયોગ અન્ય કયા ગુનાઓમાં થયો છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી હતી.










































