રાજુલામાં પોલીસ સ્ટાફ તા.૦૧/૦૨/૨૬ના રોજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે સવારના આશરે દસેક વાગ્યે સર્મપણ હોસ્પિટલ પાસે એક વયોવૃધ્ધ મહિલા ખૂબ જ ચિંતાતુર અને ગભરાયેલી હાલતમાં આવીને પોલીસને જણાવેલ કે, પોતે બગસરા મુકામેથી તેમના દીકરાને ત્યાં રહેવાં માટે આવેલ છે અને સવારના સમયે ગાયત્રી મંદિરે દર્શન કરવાં માટે ગયેલ હતા અને દર્શન કરી પરત ઘરે જવાં નીકળેલ પરંતુ તેઓ રસ્તો ભુલી જતાં અહીં સુધી આવી ગયેલ છે. આથી પોલીસે તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરતાં આ વૃદ્ધાએ તેમનું નામ પુષ્પાબેન હસમુખભાઇ જયસ્વાલ રહે. મૂળ બગસરા વાળા અને ગાયત્રી મંદિર આસપાસ રહેતા હોવાની વાત કરેલ. જેના આધારે પોલીસે ગાયત્રી આસપાસના વિસ્તારો અને સોશિયલ મીડિયા ગૃપ્સમાં તપાસ શરૂ કરી હતી. આમ પોલીસની ટેકનિકલ ટીમ અને હ્યુમન પ્રયાસોથી મહિલા ના દીકરા વિમલભાઇનો સંપર્ક થયો હતો. તેમને પો.સ્ટે.ખાતે બોલાવી પૂછપરછ કરતાં જણાવેલ કે, આ મહીલા તેમના માતા છે અને આજે સવારના સમયે પોતાના ઘરેથી ગાયત્રી મંદિરે દર્શન કરવાં જવાનું કહી નીકળેલ પરંતુ ઘરે પરત ફરેલ ન હોય જેથી તેઓ આ બાબતે પોતાની રીતે તપાસ કરતાં હતા. આમ વૃધ્ધાએ પોતાના પરિવાર સાથે મિલન થઇ જતાં રાજુલા પોલીસનો આભાર માનેલ હતો.