રાજુલાની સિવિલ હોસ્પિટલના રેસ્ટ રૂમમાંથી ફોન, પાકીટ, જરૂરી ડોક્યુમેન્ટ અને રૂ. ૯૦૦ રોકડા મળી કુલ રૂ.૧૭,૮૯૯ના મુદ્દામાલની ચોરી થઇ હતી. ફોન માલિકની ફરિયાદીના આધારે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ અને હ્યુમન સોર્સના આધારે તેમજ સીસીટીવી કેમેરા ચેક કરી અને શંકાસ્પદ ઇસમને પકડી અને તેની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. તેની પાસેથી પોલીસે ચોરી થયેલ મોબાઇલ ફોન તથા રોકડ રકમ પરત મેળવી હતી. પકડાયેલ આરોપી જાફરાબાદના લોઠપુરનો રહેવાસી લાલજીભાઇ ઉર્ફે લાલો ચોથાભાઇ સોલંકી છે. આ શખ્સ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. તેની સામે રાજુલા, જાફરાબાદ, સુરતના કાપોદ્રા, ડુમસ, પીપાવાવ મરીન, કોડીનાર પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે.