અમરેલી જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડા સમયે પથ્થરમારાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ ધામધૂમથી વરઘોડો કાઢતા આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. રાજુલા તાલુકાના મોભીયાણા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડો કાઢવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન યુવતીના કેટલાક પરિવારજનોએ અચાનક હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. જેના કારણે બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલી આ અથડામણથી ગામમાં તણાવપૂર્ણ માહોલ ઉભો થયો હતો. માહિતી મુજબ યુવક-યુવતીએ થોડા દિવસો અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. બાદમાં યુવકે ધામધૂમપૂર્વક વરઘોડો કાઢતાં કેટલાક લોકોમાં રોષ ફેલાયો હતો. તેના પગલે પરસ્પર પથ્થરમારો અને ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં ભાવેશ ભીલ નામના યુવકને પથ્થર વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ડુગર પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.










































