મોટી ખેરાળી પ્રાથમિક શાળામાં ‘બાળ દેવો ભવ’ના સૂત્ર સાથે વિદ્યાર્થીઓ માટે ૧૦૮ ઇમરજન્સી સેવા અંગે વિશેષ માર્ગદર્શન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં જીવનરક્ષક જ્ઞાન અને માનવીય સંવેદના કેળવવાનો હતો. રાજુલા ૧૦૮ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને અકસ્માત કે કટોકટીના સમયે CRP કેવી રીતે આપવું અને પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી તેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ એમ્બ્યુલન્સમાં રહેલા અદ્યતન સાધનોની જાણકારી પણ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય જયદીપભાઈ મુંગળાએ જણાવ્યું હતું કે, પુસ્તકીયા જ્ઞાનની સાથે બાળકોને વ્યવહારુ અને જીવનલક્ષી શિક્ષણ આપવું એ અમારું લક્ષ્ય છે. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, SMC સભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શાળાના આ નવતર પ્રયોગને બિરદાવ્યો હતો.










































