અમરેલી જિલ્લામાં સિંહોની જાણે માટી દશા બેઠી હોય તેમ ટપોટપ સિંહો મોતને ભેટી રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ જાફરાબાદના કાગવદર ગામે ત્રણ સિંહબાળના મોત થયા બાદ શનિવારના રોજ એક સિંહણનું મોત નિપજ્યું હતું. જોકે સિંહણનું આ મોત કુદરતી માનવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા- જાફરાબાદ પંથકમાં છેલ્લા ૪ દિવસમાં ૩ સિંહબાળ મળી ૧ સિંહણનું
મૃત્યુ થયું છે. સિંહબાળના મોતની તપાસ માટે ગાંધીનગરથી વન વિભાગની ઉચ્ચતરીય તપાસ ટીમ આવી પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ સિંહબાળના મોતની તપાસ વચ્ચે રાજુલા રેન્જના માંડરડી ગામે એક ૪ થી ૫ વર્ષની સિંહણનું મૃત્યુ થયું હતું. જોકે આ મૃત્યુને કુદરતી માનવામાં આવી રહ્યું છે. આમ, છેલ્લા થોડા દિવસોમાં જ રાજુલા-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતથી સિંહપ્રેમીઓમાં અરેરાટી સાથે ભારે રોષ ફેલાયો છે.









































