રાજુલાના જૂની બારપટોળી ગામે પુત્રએ પિતાને ‘તું મને જમીનમાં વાવવાની ના પાડીશ તો હું તને જીવતો નહીં રહેવા દઉં’ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે લાખાભાઈ ખોડાભાઈ જીતીયા (ઉ.વ.૫૫)એ પોતાના પુત્ર નરેશ લાખાભાઈ જીતીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ તા.૧૭/૧૦/૨૦૨૬ના રોજ જૂની બારપટોળી ગામે સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન આરોપી પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને તેણે કહ્યું કે, ‘સવારમાં મારું ટ્રેક્ટર ખેતર ખેડવા આવે છે અને મને જમીનમાં વાવવાની કોણ ના પાડે છે?’ તેમ કહી બોલાચાલી કરી હતી.ત્યારબાદ આરોપીએ પિતાના મોઢાના ભાગે હોઠની ડાબી બાજુ લોખંડની ટી-નો ઘા, ડાબા પગના સાથળના ભાગે બે ઘા તથા જમણા પગના ગોઠણ પર એક ઘા માર્યો હતો તેમજ શરીરે ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો. ઉપરાંત તેણે ધમકી આપતાં કહ્યું હતું કે, ‘તું મને જમીનમાં વાવવાની ના પાડીશ તો હું તને જીવતો નહીં રહેવા દઉં, તું ભલે મારો બાપ હોય પણ હું તને મારી નાખીશ.’ ઘટના અંગે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.જે. કાતરિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.