રાજુલાના સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ૧૫ ફેબ્રુઆરીના રોજ “પતંગિયાની પાંખે” નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સંસ્થાના ટ્રસ્ટી કે. પી. સ્વામી, સંતો, આમંત્રિતો, વાલીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ દેશભક્તિસભર નૃત્યો, સંગીતમય પ્રસ્તુતિઓ, સંસ્કારપ્રેરક નાટિકાઓ અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે વર્ષ ૨૦૨૫ની વાર્ષિક પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકમંડળ તથા સંચાલકમંડળે ભારે જહેમત ઉઠાવી હતી.









































