ફટાકડા દૂર ફોડવાનું કહેતા તે વાતનું મનદુઃખ રાખી
ગત તા.૧રના રોજ રાત્રે રાજુલા તાલુકાના કડિયાળી ગામે મારામારીની ઘટના સામે આવી છે. આ બનાવમાં અશોકભાઈ બચુભાઈ વાજા (ઉંમર ૩૫ વર્ષ) નામના ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. માહિતી મુજબ, બે દિવસ પહેલાં આરોપી આરસી દડુભાઈ બારૈયા ફટાકડા ફોડતા હતા. ત્યારે અશોકભાઈએ તેમને ફટાકડા થોડા દૂર ફોડવા જણાવ્યું હતું. આ વાત આરોપીને ન ગમતાં દુશ્મનાવટ રાખી હતી. ઘટનાના દિવસે આરસી દડુભાઈ બારૈયા, દડુભાઈ ભગુભાઈ બારૈયા, કુલદીપ ગંભીરભાઈ બારૈયા અને ભદો ગોસ્વામી રહે.કડિયાળીએ એક સંપ થઈ ખેડૂત પર હુમલો કર્યો હતો.આરસી બારૈયા અને કુલદીપ બારૈયા લોખંડની પાઇપ સાથે આવ્યા હતા અને અશોકભાઈને શરીરે આડેધડ માર માર્યો હતો. દડુભાઈ અને ભદો ગોસ્વામીએ પણ ઢીકા-પાટુ મારી ઇજા પહોંચાડી હતી. હુમલા દરમિયાન જમણા પગમાં પાઇપ મારતા અશોકભાઈને ફ્રેક્ચર થયું હોવાનું જણાવાયું છે. ઉપરાંત, આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.









































