રાજસ્થાનના જાલોરમાં સતત વરસાદે લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે. વરસાદને કારણે ઘણી નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. ઘણા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં શનિવારની મોડી રાતથી રવિવાર સવાર સુધી સતત વરસાદ ચાલુ રહ્યો. થોડા જ કલાકોમાં ૮ ઇંચ વરસાદ પડ્યો. તેનાથી જનજીવન ખોરવાઈ ગયું. જાલોર શહેરના રસ્તાઓ નદી બની ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.જવાઈ ડેમ કાંઠે ભરાઈ ગયા બાદ, જળ સંસાધન વિભાગે ૩ દરવાજા ખોલીને પાણી કાઢવાનું શરૂ કર્યું છે. હાલમાં, દરવાજા નંબર ૨, ૪ અને ૧૦ એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે, જેથી નિયંત્રિત રીતે પાણી છોડી શકાય. જવાઈ નદીમાં પૂર આવ્યું છે અને સુંડેલાવ તળાવ પણ છલકાઈ રહ્યું છે. તળાવ ભરાઈ જવાને કારણે, પાણી નજીકની વસાહતોમાં ઘૂસી ગયું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ઘણા પરિવારોને પોતાના ઘર છોડીને સંબંધીઓના ઘરે રાત વિતાવવી પડી.ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે શહેરના વીર વીરમદેવ કોલેજની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ. રાછોડનગર તરફ જતો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો અને બંધ થઈ ગયો હતો, જેના કારણે અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી. ભીનમાલ રોડ પર ત્રીજા તબક્કા પાસે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાઈ ગયા હતા. શહેરના અન્ય ઘણા ભાગોમાં લોકો પોતાના ઘરો છોડી શક્્યા ન હતા. જિલ્લાના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. આહોરમાં ૪.૨૫ ઇંચ, બગોડામાં ૪ ઇંચ, ચિતલવાના અને સાંચોરમાં ૮-૮ ઇંચ જ્યારે સાયલામાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ઘણા નાના-મોટા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે સોમવારે ધોરણ ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. જાકે, સ્ટાફની હાજરી ફરજિયાત રહેશે. વહીવટીતંત્રે લોકોને નદીઓ, નાળાઓ અને વહેતા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સલામત સ્થળોએ રહેવા અપીલ કરી છે. સતત વરસાદ અને જવાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. જિલ્લા વહીવટીતંત્રે ચેતવણી જારી કરીને સામાન્ય લોકોને સાવધ રહેવા અપીલ કરી છે. સોમવાર સવારથી આકાશ વાદળછાયું છે અને ભારે પવન સાથે વચ્ચે-વચ્ચે વરસાદ ચાલુ છે.