અમરેલી તાલુકાના પદાધિકારીઓ, ગ્રામજનોની હાજરીમાં
પાણીના પ્રવાહથી થતી નુકસાની સામે કાયમી રક્ષણ મળશે : કૌશિક વેકરીયા

અમરેલી જિલ્લાના નવા ખીજડીયા ગામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પુરસંરક્ષણ દિવાલના નિર્માણ કાર્યનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના ઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની ગ્રામીણ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ થઈ હતી.નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ હેઠળ, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ દ્વારા અંદાજિત રૂ. ૩૮.૫૨ લાખના ખર્ચે આ દિવાલનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટ ચોમાસા દરમિયાન પૂરના ભય સામે ગામને સુરક્ષા આપશે. ખાસ કરીને નીચાણવાળા રહેણાંક વિસ્તારો અને જાહેર સંપત્તિને પાણીના પ્રવાહથી થતા નુકસાન સામે કાયમી રક્ષણ મળશે.મંત્રીએ જણાવ્યું હતું કે, આ સુવિધાથી ગામમાં સુરક્ષાની ભાવના મજબૂત બનશે અને કુદરતી આપત્તિઓ સામે ગામ વધુ સશક્ત બનશે. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સુરેશભાઈ પાથર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, વિભાગીય અધિકારીઓ તથા સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.