રાજકોટઃ ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરનારો કિસ્સો સામે આવ્યો છે. પિતાની હવસખોરીથી કંટાળી જઈ સગી દીકરીએ માતા-પિતાનું ઘર છોડી દીધું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસ દ્વારા દીકરીની ભાળ મેળવીને તેની પૂછપરછ કરતા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી માસૂમ દીકરી પોતાના પિતાની હવસનો શિકાર બનતી હોવાનું સામે આવ્યું છે, સાથે જ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ નરાધમ પિતાની જૂની કરતૂતનો પણ ભાંડો ફૂટ્યો છે.
વિગતવાર વાત કરીએ તો, રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય પુત્રીએ પોતાના માતા-પિતાનું ઘર છોડીને ભાગી ગઈ હતી. જે સમગ્ર મામલાની જાણ ૧૯ વર્ષીય પુત્રીના પિતા દ્વારા ઉપલેટા પોલીસને કરવામાં આવી હતી. ઉપલેટા પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી ઉપલેટા પોલીસ તેમજ રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દીકરીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.બાદમાં રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દીકરીને શોધી કાઢી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી. પૂછપરછ દરમિયાન દીકરીએ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. જે અંતર્ગત તેના પિતા તેણીની સાથે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા હોવાનું જણાવ્યું હતું. તાત્કાલિક અસરથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દીકરીના પિતાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આરોપીએ પોતે પોતાના ગુનાની કબૂલાત આપી હોવાનું સામે આવ્યું છે.
૧૯ વર્ષીય ભોગ બનનાર દીકરી દ્વારા બળાત્કાર તેમજ પોક્સો એક્ટની કલમ અંતર્ગત ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગુનાના કામે દીકરીના રૂમમાં રાત્રિના સમયે તેના નરાધમ પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતો હતો ત્યાંથી કેટલાક સાંયોગિક પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. તો સાથે જ તપાસના કામે આરોપી દ્વારા ગુનાના સમયે વાપરવામાં આવતી જેલ, પ્રોટેક્શન કીટ, મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી ઘરમાં જ જેલ જેવો રૂમ બનાવ્યો હતો અને જ્યાં તે દીકરીને રાત્રિના સમયે અશ્લીલ વીડિયો બતાવી તેને શારીરિક શોષણ માટે મજબૂર કરતો હતો. તેમજ દીકરીનો અવાજ કે પ્રતિકાર ન સંભળાય તે માટે ટીવીનું વોલ્યુમ પણ વધારી દેતો હતો. પ્રાથમિક તપાસમાં આ દુષ્કર્મ લાંબા સમયથી ચાલતું હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં, પોલીસ પૂછપરછ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી પિતાએ તેની ભત્રીજી પર પણ છેલ્લા સાત વર્ષથી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે રાજકોટ રૂરલના જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, “મામલો અત્યંત ગંભીર છે. પીડિતાઓને કાયદેસર સુરક્ષા અને ન્યાય મળે તે માટે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
નોંધનીય છે કે હાલ આ મામલે પોલીસ દ્વારા આરોપીની ભત્રીજીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં ભત્રીજી સાથે છેલ્લા સાત વર્ષથી હવસખોર પિતા સમાન કાકા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પોતે દિવ્યાંગ હોવાનું તેમજ તેની પત્નીને કેન્સરની જીવલેણ બીમારી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીની પત્નીને ચોથા સ્ટેજનું કેન્સર હોવાના કારણે ડીડીઓ સાથે સંકલન કરીને હેલ્થ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય ટ્રીટમેન્ટ મળે તે બાબતે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.








































