રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ૨૯ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ પ્રગતિ હોસ્પીટલ પાસે આવેલા રોડ ઉપર સરા જાહેર પેંડા ગેંગ તેમજ મુરઘા ગેંગના સભ્યો વચ્ચે એકબીજા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ૧૭ જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં ચાર જેટલા ગેરકાયદેસર હથિયાર પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પેંડા ગેંગના ૧૭ સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છેછેલ્લા ઘણા સમયથી રાજપાલસિંહ ઉર્ફે રાજા જાડેજા રાજકોટ શહેર વિસ્તારમાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવવા માટે પોતાના સાગરીતો સાથે મળીને સંગઠિત ગુનાખોરી આચરી રહ્યો હતો. જે ટોળકી પેંડા ગેંગ તરીકે ઓળખાય છે. ગેંગ દ્વારા ૨૦૧૫ થી ૨૦૨૫ દરમિયાન રાજકોટ શહેર તથા આજુબાજુના જિલ્લામાં પોતાની ધાક ઉભી કરવા માટે પ્રાણ ઘાતક હથિયારો વડે ખૂન, ખૂની કોશિશ, બળજબરીથી માલમતા પડાવી લેવી, સરા જાહેર ફાયરીંગ, ગેરકાયદેસર પ્રવેશ કરીને તોડફોડ કરવી, આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર હથિયારનું ખરીદ વેચાણ કરવું, દારૂ તેમજ ડ્રગ્સનું વેચાણ કરવું, છેડતી કરવી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવું, લૂંટ, બળાત્કાર, ગેંગરેપ સહિતના બનાવોને અંજામ આપી હોવાનું સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં ગેંગ દ્વારા ૨૦૧૫ થી લઈ ૨૦૨૫ દરમિયાન રાજકોટ શહેર તેમજ આજુબાજુના જિલ્લામાં કુલ ૭૧ જેટલા ગુના આચરણમાં આવ્યા હોવાનું સામે આવ્યું છેરાજકોટ ક્રાઇમ ડી.સી.પી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે ટોળકી વિરુદ્ધ હત્યા તેમજ હત્યાના પ્રયાસના ૭ ગુના, મારામારી તેમજ રાયોટીંગના ૨૯ ગુના, છેડતી તેમજ બળાત્કારના ૭ ગુના, ગેરકાયદેસર હથિયારના ૫ ગુના દાખલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. ૧૭ પૈકી ૧૧ સભ્યો હાલ જુદા જુદા ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું છે. ૪ આરોપીઓની કસ્ટડી હાલ ક્રાઈમ બ્રાન્ચ પાસે છે. તેમજ ૨ આરોપીઓની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ પ્રકારે અન્ય સંગઠિત ગુના આચારનારી ટોળકી વિરુદ્ધ પણ ગુજસીટોકની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ ગેરકાયદેસર કૃત્ય આચરીને આર્થિક લાભો મેળવતા વ્યક્તિઓની મિલકતો પણ ટાંચમાં લેવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હાલ દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ, જીગ્નેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા તેમજ ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ રણજિત ઉર્ફે કાનો ટિકિટ તેમજ હિતેન્દ્રસિંહ ઉર્ફે હકોકડી જાડેજા બંને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એનડીપીએસના ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાજકોટ જિલ્લા જેલમાં બંધ છે. ત્યારે તે બંનેનો કબજા મેળવીને તેમની ધરપકડ કરવામાં આવશે. તેમજ પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ હોવાથી તેનો પણ ગુનાના કામે જેલમાંથી કબજા મેળવીને તેની ધરપકડ કરવામાં આવશે