સરસંઘચાલક મોહન ભાગવતજી એવું કહે છે કે દરેક મસ્જિદમાં શિવલિંગ ન શોધવું જોઈએ તો પછી દરેક સવર્ણમાં પણ અત્યાચારી ન શોધવો જોઈએ ને? પણ ૧૩ જાન્યુઆરીએ આવેલા યુજીસીના નિયમોથી તો આવો જ સંદેશ ગયો છે.
મોદી સરકાર ડીપ સ્ટેટના એજન્ડાનો જાણે-અજાણે અમલ કરી રહી છે. અમેરિકામાં આ પ્રકારનો એજન્ડા આૅલરેડી ચાલી રહ્યો છે. આ એજન્ડાની બત્તી કાંગ્રેસના સામ્યવાદીઓ રાહુલ ગાંધીને પકડાવે છે, રાહુલ ગાંધી એ વાતનો મુદ્દો બનાવે છે અને દર વખતે સંઘ કે ભાજપ તેના છટકામાં આવી જાય છે. દા.ત. રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના સંઘના ૧૧ જ વર્ષમાં થઈ હતી. પરંતુ રાહુલ ગાંધી સંઘમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે તેવો મુદ્દો ઉપાડ્‌યો. તે પછીના વિજયાદશમીના ઉત્સવમાં પર્વતારોહક મહિલા સંતોષ યાદવ મુખ્ય અતિથિ હતા. કેરળમાં જેમ એક શિક્ષણ સંસ્થામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ અનૈ વિદ્યાર્થિનીઓ વચ્ચે આડશ (પાર્ટિશન) રાખી ભણાવાય છે તો કોઈ વિરોધ થાય છે?
રાહુલ ગાંધીએ ગરીબોની વાત કરી. કોરોનાના સમયમાં જરૂરી પણ હતું. પરંતુ આજે છ વર્ષ પછી પણ ૮૦ કરોડ ગરીબોને નિઃશુલ્ક રાશન આપવામાં આવી રહ્યું છે. કેજરીવાલની મફતની યોજનાઓને ભાજપે રેવડી કહી પરંતુ પછી રાહુલ ગાંધીએ પણ આ વાતને ઝીલી લીધી. તે પછીની ચૂંટણીઓમાં ભાજપે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની રેવડીની જાહેરાતો કરી ચૂંટણી જીતી જ છે.
ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જોરશોરથી દલિતો, આદિવાસીઓ અને પછાતોને તેમની જનસંખ્યા પ્રમાણે હિસ્સેદારી આપવાની વાત કરી હતી. આ ઉપરાંત જાતિ આધારિત વસતિ ગણતરી કરવાની પણ વાત કરી હતી. એ વાત અલગ છે કે કર્ણાટકમાં કાંગ્રેસ સરકાર દ્વારા આ પ્રમાણે વસ્તી ગણતરી થઈ હોવા છતાં આંકડા જાહેર થયા નથી. પરંતુ એના પગલે મોદી સરકારે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી જાહેરાત કરી હતી.
હવે યુજીસીના નિયમો દ્વારા સરકારે જાતિવાદને ડામવાના બહાને જાતિવાદને વકરાવવાનું કામ કર્યું છે. સરકાર તરફી હિન્દુઓ કેવી પાંગળી દલીલ કરે છે ! આ તો સર્વોચ્ચ ન્યાયાલયનો આદેશ હતો. ડાબેરી ઇન્દિરા જયસિંહે પીઆઈએલ કરી હતી. નિયમો બનાવનાર સમિતિના અધ્યક્ષ કાંગ્રેસી દિગ્વિજયસિંહ છે ! (૨૦૦૮ના મુંબઈ આક્રમણમાં આરએસએસને ઉત્તરદાયી ઠરાવનારને સમિતિના અધ્યક્ષ કોણે અને કેમ બનાવ્યા?) સર્વોચ્ચના એક-એક આદેશનું માનતા હોય તો ૨૦૧૮ના એટ્રોસિટી ધારા અંગેના આદેશને પણ માનો ને ! ૨૦૧૮માં સર્વોચ્ચે દહેજ કેસોમાંય તાત્કાલિક ધરપકડ ન કરવા નિર્દેશ આપ્યો હતો. તેનું પાલન કેમ ન થયું? સમિતિમાં ભાજપના વિધિ વિશેષજ્ઞ રવિશંકર પ્રસાદ, અધિવક્તા બાંસુરી સ્વરાજ, સંબિત પાત્રા સહિત ૧૬ સભ્યોને માત્ર ભથ્થાં લેવા બેસાડ્યા હતા? શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિત ભાજપના નેતાઓના સંતાનો વિદેશ ભણે/ભણ્યા છે એટલે તેમને અહીં શું થઈ શકે તેની ગંભીરતા ક્યાંથી હોય?
સવર્ણોના ઉકળાટને ઠારવાની વાત તો ઘરે ગઈ, ઉલટું તેમના પર ઉકળી ઊઠેલાઓએ એ પણ સમજવું જોઈએ કે એટ્રોસિટી ઍક્ટ સામે સવર્ણોએ આંદોલન કર્યું નથી. મોદી સરકાર સામે કોઈ મુદ્દો બનાવ્યો નથી. ૨૦૧૮ સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે એટ્રોસિટી ઍક્ટમાં પહેલા તપાસ થાય અને પછી આરોપી ઠરે તો જેલ થવી જોઈએ ત્યારે દલિતોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. વડાપ્રધાન મોદી ઝૂકી ગયા. આદેશનો અમલ મોકૂફ રાખ્યો. મુસલમાનોના ધરણા અને અનેક શહેરોમાં હિંસાના લીધે સીએએના નિયમો ચાર વર્ષો સુધી બનાવાયા નહોતા.
દિલ્લીની સીમાને ખેડૂતોએ બ્લાક કરી દીધી હતી. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ચૂંટણી આવતી હતી તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા જાહેરાત કરી હતી.
આનો અર્થ એ થયો કે જે સમાજ, જે સમૂહ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરે છે, જેના મતો સંગઠિત છે તે સરકાર પાસે પોતાનું ધાર્યું કરાવે છે.
દુઃખદ રીતે સવર્ણોના પક્ષે રજૂ કરનાર એક પણ પક્ષ નથી. બધા પક્ષો જાણે છે કે સવર્ણા ક્યારેય રસ્તા પર આવી ઉગ્ર હિંસક આંદોલન કરવાના નથી. તેમનો નોકરી-ધંધો ઠપ થશે, તેમને જેલ થશે તો તેમની સહાય કરનારું કોઈ નહીં હોય. તેમને કેસ લડવા કપિલ સિબલ, અભિષેક મનુ સિંઘવી જેવા નેતા કોઈ પૂરા નહીં પાડે. વળી, સવર્ણો સંગઠિત રીતે મતદાન કરતા નથી. ૨૦૦૪માં ભાજપે પછડાટ ખાધી તોય ‘ના એન્ટ્રી’ના સલમાન ખાનની જેમ ભાજપે ૨૦૨૪માં તેની મત બૅંકને ખિસ્સામાં સમજી, બીજાને પટાવવા જતાં ભૂંડી પછડાટ ખાધી હતી. ૨૦૨૪ની રાજ્યોની ચૂંટણીમાં ‘બટેંગે તો કટેંગે’નું સૂત્ર આપનાર ભાજપ અત્યારે સમાજને ‘બાંટેંગે’ ‘તો’ (મતો કી ફસલ) ‘કાટેંગે’ની રાજનીતિ પર ચાલી રહ્યો હોય તેવું લાગે છે.
યુજીસીના નિયમો દ્વારા દલિતો, આદિવાસીઓ, ઓબીસી, મહિલાઓ અને દિવ્યાંગોને પ્રસન્ન કરવામાં ખાઈ વકરી ગઈ છે. અહીં તો દલિતોની સાથે ઓબીસી, મહિલા અને દિવ્યાંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક વિશેષજ્ઞોનું કહેવું છે કે ઓબીસીમાં ઘણી જાતિ લડાયક છે દાખલા તરીકે જાટ, ગુર્જર, (ગુજરાતના) ઠાકોર અને કોળી. તેમને કોઈ ક્યાંથી કંઈ કહેવાની હિંમત કરી શકે. અખિલેશ યાદવ અને લાલુ પ્રસાદ યાદવનો પરિવાર સત્તામાં આવે છે ત્યારે ઘણા યાદવોને અપરાધ, દાદાગીરી માટે મોકળું મેદાન મળી જાય છે. માનો કે અખિલેશ-લાલુ સત્તામાં આવી ગયા, તો શું યુજીસીના નિયમોનો આ શક્તિશાળી અને સરકાર બનાવવાની શક્તિ ધરાવતા પણ ટૅક્નિકલી ઓબીસીમાં આવતા યાદવ સમાજના કેટલાક લોકો દ્વારા દુરુપયોગ નહીં થાય?
મહિલાઓ તરફથી કાયદાઓનો દુરુપયોગ થાય છે તેમ ન્યાયાલયો પણ કહે છે. અનેક પતિઓને આપઘાત કરવાના વારા આવ્યા છે. અનેક પતિઓની હત્યા થઈ છે. અનેક પરિવારો વિંખાઈ ગયા છે. અનેક બાળકો પિતાવિહોણા બની ગયા છે. ત્યારે યુનિવર્સિટી પણ શું આવા બધા કેસોનો અખાડો નહીં બની જાય? રાજસ્થાનના નરેશ ચમાર નામના દલિત ભાઈએ તો આૅન કેમેરા આ બાબત સ્વીકારી છે કે એટ્રોસિટી કાયદાનો દુરુપયોગ કરી તેના દ્વારા વેર વસૂલવામાં આવે છે અને સાથોસાથ કમાણી કરવામાં આવે છે. અંદાજે એક-એક કેસમાં સમાધાનના નામે ચાલીસ હજાર રૂપિયા પડાવવામાં આવે છે. આ જ રીતે ‘દૈનિક ભાસ્કર’એ સ્ટિંગ આૅપરેશન કરી ઘટસ્ફોટ કર્યો હતો કે હની ટ્રેપમાં ફસાવવા દલાલો છોકરીઓ પૂરી પાડે છે.
પરીક્ષા સમયે જ કોઈ સવર્ણ વિદ્યાર્થી પર દલિત, ઓબીસી‌એ કે કોઈ યુવક સામે યુવતીએ ખોટી ફરિયાદ કરી તો તે વિદ્યાર્થીની કારકિર્દી નહીં રોળાઈ જાય? કોઈ સવર્ણ યુવતીને કોઈ દલિત યુવક પ્રેમનો પ્રસ્તાવ મૂકશે અને તે યુવતી ના પાડશે અને તેની સામે એટ્રોસિટીનો કેસ કરશે તો શું કરશો? આમાં માત્ર વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રાધ્યાપકો પણ ભેખડે ભરાવાની પૂરેપૂરી સંભાવના છે.
ભવિષ્યમાં આવા નિયમોમાં અમેરિકાની જેમ અશ્વેત, એલજીબીટીક્યૂનો પણ સમાવેશ નહીં કરાય તેવી કોઈ સંભાવના ખરી? ભવિષ્યમાં તે માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળામાં નહીં લાગુ કરાય તેની કોઈ ખાતરી ખરી? ખાનગી સંસ્થાઓમાં મહિલાઓના શોષણ માટેની સમિતિ તો છે જ પરંતુ રાહુલ ગાંધી મુદ્દો બનાવશે તો ખાનગી સંસ્થાઓમાં પણ અનામત આપવાની વાત નહીં આવે અને આ પ્રકારના ભેદભાવ વિરોધી નિયમો નહીં આવે તેની શું ખાતરી?
યુનિવર્સિટીઓમાં દલિત, આદિવાસીના નામે ક્રિપ્ટો ક્રિશ્ચિયન બૌદ્ધ કે ક્રિપ્ટો મુસ્લિમ વિદ્યાર્થી ફરિયાદ કરશે તો શું? પહેલાં ક્રિપ્ટો ક્રિશ્ચિયન, બૌદ્ધ કે મુસ્લિમની અલગ ઓળખ કરી તેમને દલિત અને આદિવાસી તરીકેની માન્યતામાંથી બહાર કાઢવાની આવશ્યકતા છે. તેમના લીધે સાચા દલિત અને આદિવાસીઓને અનામતનો લાભ મળતો નથી. (આના માટે ‘સાધના’ના તંત્રી ભાનુભાઈ ચૌહાણનું પુસ્તક ‘આદિવાસીઓનો આર્તનાદ-ડિલિસ્ટિંગ’ વાંચવું જોઈએ.)
દલિતોમાં પણ ઊંચી-નીચી જાતિ હોય છે. તેમાં પણ એટ્રોસિટી થાય છે. તો પેટા નીચી જાતિઓને કેમ બાકાત રખાઈ? બિહારમાં તો અતિ પિછડાની રાજનીતિ છે. જામિયા મિલિયા ઇસ્લામિયામાં પ્રાધ્યાપક રિયાઝઉદદ્દીને આદિવાસી વિદ્યાર્થીને જાતિવિષયક અપશબ્દ કહી નિતંબ પર લાત મારી કાઢી મૂક્યો હતો. ૨૦૨૦માં કેરળમાં એક મુસ્લિમ પરિવારે દલિત કાલાનીને પાણીનો સપ્લાય અટકાવી દીધો હતો. આવા કેસમાં કેમ ઉહાપોહ નથી થતો? યુજીસીની સમાનતા સમિતિમાં માત્ર દલિત, ઓબીસી, આદિવાસી, દિવ્યાંગ અને મહિલાનો સમાવેશ કરી પહેલેથી સામાન્ય વર્ગ, પુરુષ અને સ્વસ્થ વ્યક્તિ દોષી છે તેવું માની લેવાયું છે.
૨૦૦૮માં પાટણની ટીચર્સ ટ્રેનિંગ કોલેજનો દલિત વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારનો અત્યંત ઘૃણા ઉપજાવે તેવો કેસ અત્રે ઉલ્લેખનીય છે. આ કિસ્સામાં છ આરોપી દોષી ઠર્યા હતા. ૧. મનીષ પરમાર, ૨. અશ્વિન પરમાર. ૩. મહેન્દ્ર પ્રજાપતિ, ૪. કિરણ પટેલ, ૫. સુરેશ પટેલ અને ૬. અતુલ પટેલ. અર્થાત અપરાધ કરવામાં બધા જ વર્ગના લોકો સહભાગી હતા. અધૂરામાં પૂરું, કિરણ પટેલ પર તે વખતે આક્ષેપ હતો કે તે અપંગ છે, નપુંસક છે પરંતુ સૌથી વધુ અત્યાચારી તે હતો. વર્ગખંડમાં ખરાબ કોમેન્ટ કરવી, વિદ્યાર્થિનીઓને ખરાબ રીતે સ્પર્શવી વગેરે નીચ કામ કરતો. મૈથુન કરવા અક્ષમ હોવાથી પીડિતા પાસે મુખમૈથુન‌ કરાવતો હતો. એવા સમાચાર તે વખતે હતા કે કિરણ પટેલની બદલી એટલા માટે નહોતી થતી કારણકે તે અપંગ હતો. તેના પ્રત્યે લોકોની સહાનુભૂતિ હતી. બધા વિકલાંગોની વાત નથી બધા દિવ્યાંગોની વાત પણ નથી, પરંતુ કિરણ પટેલ જેવા કોઈ અપંગ હોય જ નહીં તેવું માનવું ભૂલભરેલું છે.
બ્રાહ્મણો, વાણિયાઓને અને ક્ષત્રિયોને ફિલ્મોમાં વિલન ચિતરાયા છે. ડાબેરીઓ અને જય ભીમની રાજનીતિવાળા તો બ્રાહ્મણોને ખલનાયક માને છે. રાજદની કંચન યાદવે તો આૅન કેમેરા કહ્યું છે કે સવર્ણોને ખોટા કેસ કરી ફસાવવા જોઈએ. જેએનયૂની દીવાલો પર બ્રાહ્મણવાદથી મુક્તિ, બ્રાહ્મણો કેમ્પસ છોડો આવાં સૂત્રો લખાય છે. બ્રાહ્મણો, વાણિયા અને
આભાર – નિહારીકા રવિયા ક્ષત્રિયોને પણ તેમના જાતિ વિષયક અપશબ્દોથી સંબોધાતા હોય છે. આ જાતિઓના‌ લોકોને ફરિયાદનો કોઈ કાનૂની અધિકાર નહીં?
ઘણી વાર એવા કિસ્સા બને છે કે યુવતીની ઇચ્છા પૂરી ન થાય તો તે યુવક પર ખોટા બળાત્કારના આક્ષેપો કરે છે. વિશ્વવિદ્યાલયમાં આ નવા નિયમ હેઠળ આવું થવા લાગશે તો યુવકોની કારકિર્દી શું રોળાઈ નહીં જાય? માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, આ નિયમો થકી અધ્યાપકોને માથે પણ લટકતી તલવાર રહેશે. તેઓ આ ‘પીડિત’ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીની ભૂલ કાઢતા, તેને ઠપકો આપતા અથવા તેને નાપાસ કરતા ડરશે. આ માત્ર કપોળ કલ્પિત વાત નથી, હકીકત છે.
૨૦૧૬માં ચેન્નાઈની પ્રેસિડેન્સી કોલેજમાં એક વિદ્યાર્થિનીએ તેના પ્રિન્સિપાલ પર જાતીય સત્તામણીનો કેસ કર્યો હતો. તેના પ્રાફેસરોનું એવું કહેવું હતું કે વિદ્યાર્થિનીએ નાપાસ થવાથી આ પગલું ભર્યું છે. ૨૦૧૭માં કેરળના કોટ્ટયમ જિલ્લામાં પેરા મેડિકલ અને નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા ૪૦ વર્ષના ખ્રિસ્તી શિક્ષક સી.ડી. જોમોન પર તેની એક વિદ્યાર્થિનીએ બળાત્કારનો કેસ કર્યો હતો. આઠ વર્ષ પછી વિદ્યાર્થિનીએ ન્યાયાલયમાં સ્વીકાર્યું કે એ શિક્ષકના વિરોધીઓના કહેવા પર તેણે ખોટી ફરિયાદ નોંધાવી હતી.
એવું કહેવાનો આશય નથી કે પુરુષો મહિલાઓ‌ પર અત્યાચાર નથી કરતા, દલિતોને સવર્ણો દ્વારા અન્યાય થતો જ નથી, સર્વાગ સંપૂર્ણ વ્યક્તિઓ દ્વારા દિવ્યાંગોનું અપમાન કે તેમને અન્યાય નથી થતો. આવું થાય જ છે એટલે ભેદભાવની ફરિયાદની જોગવાઈ હોવી જ જોઈએ. ભેદભાવ તેમજ અન્યાય કરનારા સામે કડક સજા થવી જ જોઈએ પરંતુ ખોટી ફરિયાદ કરનારાને એટલી જ કડક સજા થવાની જોગવાઈ કેમ નથી? યુજીસીના નિયમોની વિરુદ્ધ બોલી રહેલા હિન્દુવાદીઓની આ માગણીમાં ખોટું શું છે?
મોદી સરકાર કે ભાજપની રાજ્ય સરકારો કરે તે બધું સાચું જ, સારું જ એવું માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. મોદીજી પોતેય એવું નથી માનતા. ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ઘોર વિરોધીઓને સરકારમાં ઉચ્ચ પદ આપવા સામે વિરોધ થયો અને નિર્ણય પાછા ખેંચાયા હતા. ગત વર્ષે અમદાવાદ પુસ્તક મેળામાં વિલિયમ ડેલરિમ્પલ સહિત ડાબેરીઓ લેખકોને બોલાવાયા હતા. પ્રગટ વિરોધ થયો. એટલે સત્રો રદ્દ કરાયા હતા. સરકારના બધા નિર્ણયોને માસ્ટરસ્ટ્રાક કહી વધાવી લેતા સરકારી હિન્દુઓ મોદીજીનું હિત કરતા અહિત વધુ કરે છે. ડા. બાબાસાહેબ આંબેડકરે પણ કહ્યું હતું કે ગમે તેવી મહાન વ્યક્તિ હોય, આપણી સ્વતંત્રતા તેનાં ચરણોમાં ન ધરી દેવી જોઈએ. (આ લેખકે આ મુદ્દે ‘સાધના’માં લેખ લખ્યો હતો.) ગત ૨૫ નવેમ્બરે મધ્ય પ્રદેશમાં આઈએએસ અધિકારી સંતોષ વર્માએ કહ્યું હતું કે જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ પોતાની દીકરીનું દાન ન આપે અથવા મારા દીકરા સાથે સંબંધ ન બનાવે ત્યાં સુધી અનામત ચાલુ રહેવી જોઈએ. આવું કોઈ સવર્ણએ કહ્યું હોત તો? ૧૯૯૩માં કાંશીરામ-માયાવતીનું સૂત્ર હતું કે ‘તિલક, તરાજુ ઓર તલવાર ઇન કો મારો જૂતે ચાર’.‌ માનો કે સવર્ણોનો જ પક્ષ બને અને દલિતો માટે આવું સૂત્ર જાહેરમાં પ્રસારિત કરે તો? તેઓ જેલમાં પુરાઈ જાય પરંતુ કાંશીરામ અને માયાવતીને કઈ થયું નહીં. પરંતુ સવર્ણો વગર સત્તા નહીં મળે એ સત્ય સમજાતાં માયાવતીને ચૌદ વર્ષ લાગ્યા. ૨૦૧૪માં સોનિયા ગાંધીની કઠપૂતળી સરકારના સાંપ્રદાયિક હિંસા ખરડામાં એવું માની લેવાયું હતું કે હિંસા માટે ઉત્તરદાયી કોઈ પણ હોય, હિન્દુ જ જેલમાં જશે આ ખરડાના લીધે કાંગ્રેસ સરકાર ગઈ હતી. યુજીસીના નિયમો પણ આવા જ એક તરફી છે. મોદીજી ઇતિહાસબોધ સારી રીતે જાણે છે. તેઓ ઇતિહાસનું પુનરાવર્તન નહીં જ કરે. નોંધઃ તાજા સમાચાર અનુસાર, સર્વોચ્ચ ન્યાયાલયે આ નિયમો પર રોક લગાવી દીધી છે. તેણે કહ્યું છે કે આ નિયમો અસ્પષ્ટ અને દુરુપયોગ થાય તેવા છે.

યુજીસીના નવા નિયમો ભયાવહ છે. સમાજમાં જાતિ-જાતિ વચ્ચેની ખાઈ વકરાવનારા છે. આ નિયમો માત્ર દલિત-સવર્ણો જ નહીં, દલિત-ઓબીસી, પુરુષ-મહિલા, સાજા વ્યક્તિ-દિવ્યાંગ વચ્ચેની ખાઈ પણ પેદા કરશે તેવું જણાઈ રહ્યું છે.