યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સોમવારે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટને “સ્પષ્ટપણે આતંકવાદી હુમલો” ગણાવ્યો છે. તેમણે તપાસ ખૂબ જ કાળજીપૂર્વક અને વ્યાવસાયિક રીતે કરવા બદલ ભારતની પ્રશંસા કરી. દિલ્હી બોમ્બ વિસ્ફોટોને “આતંકવાદી ઘટના” તરીકે ભારત દ્વારા જાહેર કરવા અંગે મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા રુબિયોએ આ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “ભારત પ્રશંસાને પાત્ર છે. તેઓ ખૂબ જ ધીરજ, સાવધાની અને વ્યાવસાયિક રીતે તપાસ કરી રહ્યા છે. તપાસ ચાલુ છે. આ સ્પષ્ટપણે એક આતંકવાદી હુમલો હતો. એક કાર ભારે વિસ્ફોટકોથી ભરેલી હતી, જેમાં વિસ્ફોટ થયો, જેમાં ઘણા લોકો માર્યા ગયા.”રુબિયોએ વધુમાં કહ્યું, “મને લાગે છે કે તેઓ ખૂબ સારી રીતે તપાસ કરી રહ્યા છે, અને જ્યારે તેમની પાસે તથ્યો હશે, ત્યારે તેઓ તે તથ્યો જાહેર કરશે.” યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું કે તેમણે દિલ્હી વિસ્ફોટો વિશે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરી. રુબિયોએ કહ્યું કે અમેરિકાએ સહાયની ઓફર કરી છે, પરંતુ ભારત તપાસ કરવા માટે “ખૂબ જ સક્ષમ” છે અને તેને સહાયની જરૂર નથી. તેમણે કહ્યું, “અમે શક્્યતાથી વાકેફ છીએ, અને અમે આજે તેના પર થોડી ચર્ચા કરી છે. અમે તપાસના પરિણામોની રાહ જાઈશું.” અમે સહાયની ઓફર કરી છે, પરંતુ મને લાગે છે કે તેઓ આ તપાસમાં ખૂબ જ સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી અને તેઓ સારું કામ કરી રહ્યા છે.કેનેડાના નાયગ્રામાં જી-૭ વિદેશ મંત્રીઓની બેઠકની બાજુમાં વિદેશ મંત્રી જયશંકર અને રુબિયો મળ્યા. દિલ્હી વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો માટે રુબિયોએ શોક વ્યક્ત કર્યો. બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ. લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની પ્રાથમિક તપાસમાં “વ્હાઇટ કોલર આતંકવાદી નેટવર્ક” સાથે જાડાણ હોવાનું બહાર આવ્યું છે. તપાસ એજન્સીઓએ આ આતંકવાદી ઘટનાને પાકિસ્તાન સ્થિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જાડી છે. દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.








































