ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી મનોજ શશિધરને મહત્વની જવાબદારી મળી છે.આઇપીએસ મનોજ શશિધરને સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર બનાવાયા છે. મનોજ શસિધર ૧૯૯૪ બેચના આઇપીએસ અધિકારી છે.સીબીઆઇના એડિશનલ ડાયરેટરમાંથી સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણુંક કરાઈ છે. કેન્દ્ર સરકારે સીબીઆઇને વધુ મજબૂત અને કાર્યક્ષમે બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ કર્મચારી અને તાલીમ વિભાગ ના એક મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી આપી છે અને સીબીઆઇમાં બે વરિષ્ઠ અધિકારીઓને સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂંકો સીબીઆઇના વહીવટી માળખાને મજબૂત બનાવશે, તેમજ પેન્ડીંગ અને જટિલ કેસોની તપાસ ઝડપી બનાવવામાં પણ મદદ કરશે.આ બે અધિકારીઓમાં પહેલું નામ મનોજ શશિધરનું છે, જે ૧૯૯૪ બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે. તેઓ હાલમાં સીબીઆઇમાં એડિશનલ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. હવે તેમને એક ખાસ આદેશ હેઠળ સ્પેશિયલ ડિરેક્ટરના પદ પર બઢતી આપવામાં આવી છે. આ પદ પહેલા કામચલાઉ ધોરણે કાર્યરત હતું, જે હવે પુનર્જીવિત કરવામાં આવ્યું છે અને શશિધરને તેમની નિવૃત્તિ તારીખ ૩૦ નવેમ્બર ૨૦૩૦ સુધી આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂંક નિવૃત્તિની તારીખ સુધી અથવા કેન્દ્ર સરકારના અન્ય કોઈપણ આદેશ સુધી, જે પણ પહેલા હોય ત્યાં સુધી અમલમાં રહેશે.તેઓ ગુજરાત કેડરના ૧૯૯૪ બેચના આઈપીએસ અધિકારી છે. જાન્યુઆરી ૨૦૨૦માં તેમને સીબીઆઈના જાઈન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે તેને મંજૂરી આપી હતી. સીબીઆઈ પહેલા મનોજ શશીધર ગુજરાતમાં સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)માં એડિશનલ ડીજી હતા. આ ઉપરાંત તેઓ વડોદરાના પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી અને અમદાવાદમાં જાઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્્યા છે. આ સાથે તેમણે ગુજરાતના પાંચ જિલ્લામાં એસપી તરીકે પણ સેવા આપી છે. શશીધરની ગણતરી પ્રામાણિક અને હોશિયાર આઈપીએસ અધિકારીઓમાં થાય છે. આ કારણે સરકારે તેમને સીબીઆઈમાં લાવ્યા.બીજા અધિકારી સંપત મીણા છે, જે ૧૯૯૪ બેચના ઝારખંડ કેડરના આઇપીએસ અધિકારી છે. તેઓ એડિશનલ ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવી રહ્યા હતા. તેમને પણ હવે પુનર્જીવિત સ્પેશિયલ ડિરેક્ટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. સંપત મીણાની નિવૃત્તિની નિર્ધારિત તારીખ ૩૧ માર્ચ ૨૦૩૧ છે. તેમની નિમણૂક પણ અન્ય કોઈ આદેશ આવે અથવા તેઓ નિવૃત્ત થાય ત્યાં સુધી માન્ય રહેશે.આ બંને નિમણૂંકો સીબીઆઇના કાર્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તપાસ એજન્સી પાસે ઘણા હાઈ-પ્રોફાઇલ કેસોની નિષ્પક્ષ અને ઝડપી તપાસની જવાબદારી છે. નિષ્ણાતો માને છે કે મનોજ શશિધર અને સંપત મીણા જેવા અનુભવી અધિકારીઓની હાજરી તપાસ પ્રક્રિયાઓમાં વધુ પારદર્શિતા, કાર્યક્ષમતા અને શક્તિ લાવશે.આ નિમણૂકો એ પણ સ્પષ્ટ કરે છે કે કેન્દ્ર સરકાર સીબીઆઇને વ્યાવસાયિક અને વ્યૂહાત્મક નેતૃત્વ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. બંને અધિકારીઓ પાસે લાંબો અનુભવ, ગંભીર કેસોને સંભાળવામાં કુશળતા અને વહીવટી કુશળતા છે, જે તેમને આ પડકારજનક જવાબદારી માટે યોગ્ય બનાવે છે.