હિન્દુઓએ ઇતિહાસના દસ્તાવેજ નથી રાખ્યા તેમ કેટલાક કહે છે અને તે વાત આંશિક સત્ય છે, પરંતુ કહેનારા ભૂલી જાય છે કે બખ્તિયાર ખીલજી જેવા શાસકોએ નાલંદામાં વિશાળ પુસ્તકાલય સળગાવી દીધું હતું. સમ્રાટ અશોક શિલાલેખ દ્વારા ઇતિહાસ લખેલો તે વળી સચવાયેલો રહ્યો. પણ પોતાની બહાદુરી ઇસ્લામિક જગતમાં બતાવવા પોતાની સાથે લાવેલા અલ બિરુની-અલ ઉત્બી જેવા કથિત ઇતિહાસકારોએ જ મોગલોની કૂરતાનો વિશ્વને પરિચય કરાવ્યો છે.
કેટલાક મોગલપ્રેમી લખવેઠિયાઓ કહે છે કે મોગલો ઔરંગઝેબના કારણે અળખામણા બન્યા. તેઓ દુષ્ટ આશયથી બાબરથી લઈને શાહજહાં સુધીના બાદશાહોએ આચરેલા અત્યાચારને વ્હાઇટવાશ કરી દેવા માગતા હોય છે. આ રહી એ અત્યાચારોની એક ઝલક.
૧. મોહમ્મદ બિન કાસીમ મોગલ નહોતો પણ તે ક્રૂર તો હતો. (કેટલા ઇસ્લામિક બાદશાહો ક્રૂર નહોતા? પંથાંતરણ કરાવનારા નહોતા? બળાત્કારી નહોતા? દીવો લઈને શોધવા પડે.) સિંધના દીવાન ગુન્દુમલની દીકરીને કાસીમ પોતાની પત્ની બનાવવા માગતો હતો. દીકરીએ માથું કપાવવાનું પસંદ કર્યું પણ મુસ્લિમ આક્રાંતાની પત્ની બનવાનું ન સ્વીકાર્યું. રાજા દાહિરની પત્નીઓ અને પુત્રીઓએ માતૃભૂમિ અને પોતાના શિયળની રક્ષા માટે જીવ આપી દેવાનું સ્વીકાર્યું. આજેય સિંધ પ્રાંતમાં અનેક કાસીમો હિન્દુઓની દીકરીઓને ઉઠાવી લઈ મુસ્લિમ બનાવી ફરજિયાત લગ્ન કરે છે અથવા તો તેમના પર બળાત્કાર કરે છે. વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવે છે.
૨. મહેમૂદ ગઝનવીને રોમિલા થાપર આણિ ડાબેરી લેખક મંડળી કાંગ્રેસના સંકેત પર લૂંટારો સાબિત કરવા મથતી રહી છે. પરંતુ ગઝનવી પોતાને ‘ગાઝી’ ઉપાધિ ઇસ્લામ માટે લડનાર તરીકે મેળવી હતી. તેના જ ઇતિહાસકાર અલ ઉત્બીએ (અને અલ બિરુનીએ પણ) લખ્યું છે કે ગઝનીએ સોમનાથ શિવલિંગ તોડી નાખ્યું હતું. પરંતુ ૫૦,૦૦૦ જેટલા ભક્તોને મારી નાખ્યા પછી તે આમ કરી શક્યો હતો. જો લૂંટવા માટે તે આવ્યો હોય તો તેણે ભક્તોને જ મારી નાખ્યા હોત. શિવલિંગને તોડ્યું ન હોત. તેણે મુસ્લિમ કટ્ટરવાદીઓમાં પોતાનું હીર અને શૌર્ય પૂરવાર કરવા સોમનાથનું શિવલિંગ માત્ર તોડ્યું જ નહીં, તેના ટુકડાનો ઉપયોગ ગઝનીની જામા મસ્જિદનાં પગથિયાં માટે કર્યો હતો અને બાકીના ટુકડા મક્કા, મદીના અને બગદાદમાં આ જ રીતે વેર્યા હતા.
જમાલ મલિક નામના દક્ષિણ એશિયાના ઇતિહાસકાર મુજબ, સોમનાથ મંદિરને તોડવાથી મહમૂદ ગઝનવી ‘ઇસ્લામનો આદર્શ’ (આઈકાન) બની ગયો હતો. પર્શિયા (હવે ઈરાન તરીકે ઓળખાય છે)માં ગઝનવીની કથાઓ સાંભળીને તેને નાયક (હીરો) માનવા લાગ્યા હતા. (ઘણા લોકો ગડબડ કરતા હોય છે કે ગઝનીએ ૧૭ વાર સોમનાથ મંદિર તોડ્યું અને લૂંટ્યું. ગઝનીની એટલી ત્રેવડ (ઔકાત, યૂ ના!) નહોતી તેણે ૧૭ વાર ભારત પર આક્રમણ કર્યું હતું. સોમનાથ પર તો એક જ વાર. ગઝનવી પછી અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબે તેના પર આક્રમણ કરી તેને તોડ્યું હતું. એટલે કે સોમનાથ પર ત્રણ વાર આક્રમણો થયાં અને દર વખતે તે પુનઃ પ્રતિષ્ઠિત થયું તે પણ ભવ્ય રીતે.)
મહમૂદ ગઝનવીને માત્ર હિન્દુઓ પ્રત્યે જ ઘૃણા હતી તેવું નથી. ઘણા કટ્ટર સુન્નીઓને હોય છે તેમ મહમૂદ ગઝનવીને પણ શિયાઓ પ્રત્યે ઘૃણા હતી. (ઔરંગઝેબને પણ હતી.) ઈ. સ. ૧૦૦૫માં મુલતાનમાં શિયાઓને તેણે રહેંસી નાખ્યા હતા.
૩. મોહમ્મદ ઘોરીને વીર પૃથ્વીરાજ ચૌહાણે એક વાર કે બે વાર હરાવીને ક્ષમા કરી દીધો હતો પરંતુ ઘોરીએ જ્યારે પૃથ્વીરાજ ચૌહાણને હરાવી તેને પકડી લીધો તે પછી તેની આંખો કાઢી લીધી હતી.
૪. તૈમૂર લંગ, જેના નામ પરથી સૈફ અલી ખાન અને બુદ્ધિથી પણ વટલાઈ ગયેલી કરીના કપૂર ખાને તેના દીકરાનું નામ તૈમૂર રાખ્યું છે, તેણે બે હજાર જીવતા માણસોનો એક મિનાર બનાવ્યો અને તેમને ઈંટ અને ગારામાં ચણી દીધા. ભારતમાં તેણે દિલ્લીમાં એક લાખ ભારતીય કેદીઓને પકડી તેમને કોઈ કાકડી પણ ન કાપે તેમ ક્રૂરતાથી કાપી નાખ્યા હતા. આ બાબત તેની આત્મકથા ‘મલફુઝત ઇ તિમુરી’માં લખાયેલી છે.
૫. એક કલમઘસુએ શ્રી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે મંદિર તોડનાર બાબરને સેક્યુલર સાબિત કરવા પ્રયત્ન કર્યો હતો કારણકે તેણે ગોહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો (પ્રતિબંધની વાત નર્યું જૂઠાણું છે) ! ૧૯૯૨માં ઢાંચાને કારસેવકોએ તોડી પાડ્યો તેનો બદલો ૧૯૯૦માં કાશ્મીરમાં પંડિતોની હત્યા કરી, બળાત્કાર કરી જીવતા રહ્યા તેમને ભાગી જવા ફરજ પાડીને લેવાયો હતો ! બોલો ! કેવાં જૂઠાણાં !
નમાજવાદી પાર્ટી સપાના સાંસદ રામજીલાલ સુમને બીજું જૂઠાણું ચલાવ્યું કે મેવાડના રાજા રાણા સંગ્રામસિંહ સિસોદિયા (રાણા સાંગા તરીકે પણ ઓળખાય છે) એ દિલ્લી પર રાજ કરતા ઈબ્રાહિમ લોદીને હરાવવા બાબરને આમંત્રણ આપતો પત્ર લખ્યો હતો ! હકીકત એ હતી કે રાણા સાંગાએ તો ઈબ્રાહિમ લોદીને ખતોલી, ધોલપુર, રણથંભોરની લડાઈઓ- એમ અનેક વાર ઈબ્રાહિમ લોદીને હરાવી રવિયા દીધો હતો. તેમણે શા માટે આમંત્રણ મોકલવું પડે? જાવેદ અખ્તર જેવા જાવેદ અખ્તરે પણ સલીમ સાથે લખેલી, જેને પછી મનોજકુમારે મઠારી તે ફિલ્મ ‘ક્રાંતિ’માં હિન્દુ-મુસ્લિમ ક્રાંતિકારીઓની વાત હતી. તેમાં દિલીપકુમારનું નામ સાંગા હતું, તે શું બતાવે છે? સલીમ-જાવેદની ફિલ્મોનાં નામ સાચુકલાં પાત્રો પરથી પ્રેરિત રહેતા હતા જેમ કે ધર્મા તેજા નામના એક કૌભાંડી પરથી સલીમ-જાવેદની ‘ઝંજીર’ અને ‘મિ. ઇન્ડિયા’ જેવી અનેક ફિલ્મોમાં તેજા નામનો વિલન રહેતો.
‘હુમાયુનામા’માં લખાયું છે કે રાણા સાંગાને હરાવીને હિન્દુઓની હત્યા કરીને બાબરે ‘ગાઝી’ની પદવી પ્રાપ્ત કરી. ગાઝીનો અર્થ થાય છે બીજા પંથીઓનો વધ કરનાર. બાબરે પઠાણોનાં માથાઓનો મિનાર પણ બનાવ્યો હતો.
૬. હુમાયૂં માત્ર ૪૭ વર્ષ જીવ્યો હતો અને ઔરંગઝેબ ૮૮ વર્ષ. આના પરથી કલમઘસુ તારણ કાઢે કે જે જમાનામાં સરેરાશ આયુષ્ય માત્ર પાંત્રીસ વર્ષનું ગણાતું તે સમયે ‘ભારત પર રાજ કરવા’ ઔરંગઝેબ ૮૮ વર્ષ જીવ્યો ! તે પણ તેની મઝહબી ચુસ્ત જીવનશૈલીના લીધે ! મોગલ પ્રેમીઓના પ્રિય થવા માટે ગપ્પાંની કોઈ સીમા હોય કે નહીં ? આપણે આપણા બાપ-દાદા-પરદાદાઓની ક્રમશઃ વય જોઈશું તો ધ્યાનમાં આવશે કે આપણા પિતા કરતાં દાદા, તેમના કરતાં પરદાદા વધુ જીવ્યા હતા. મોગલોના સમયમાં એટલું તો હતું જ કે ઔદ્યોગિકરણના અભાવે પ્રદૂષણ નહોતું. વસ્તીની ગીચતા નહોતી. કાર, સ્કૂટર વગેરે વાહનો નહોતાં. હવા-પાણી શુદ્ધ હતાં. ખોરાક શુદ્ધ હતાં. લોકો ચાલતા, બળદગાડામાં કે ઘોડા પર જતા. તેથી ડાયાબિટીસ, કિડની કામ ન કરવી, હૃદય રોગ, વગેરે રોગો ઘરેઘરે નહોતા. તો મોગલોના સમયમાં ક્યાંથી હોય? હા, ક્ષય જેવા રોગો હતા. તેથી તે સમયે ૯૦ કે ૧૦૦ આસપાસ વય હોવી તે સ્વાભાવિક હતું. તો પછી હુમાયૂં કેમ ૪૭ વર્ષ જ જીવ્યો?
હુમાયૂંને તેના સાવકી મા (સાવકા ભાઈ કામરાનની માતા)એ અફીણના રવાડે ચડાવી દીધો હતો કારણકે તે પોતાના દીકરા કામરાનને ગાદી મળે તે માટે હુમાયૂંને પતાવી દેવા માગતી હતી. હુમાયૂંને શેરશાહે હરાવી દીધો હતો અને તેને ભાગવું પડ્યું હતું. બાદમાં હુમાયૂં પાછો આવ્યો ત્યારે તે જેને પોતાનો દીકરો અકબર સોંપીને ગયો હતો તે કામરાનની બંને આંખો ફોડી નાખી. આવા ક્રૂર હતા મોગલો અને કલમઘસુ લખે કે ઔરંગઝેબના લીધે મોગલો અળખામણા થયા (નહીંતર તો કેમ જાણે મોગલો બધાને પ્રિય હોત.) આવા બધામાં હુમાયૂં લાંબું ન જીવ્યો અને ઔરંગઝેબ જીવ્યો તેનો અર્થ એમ ન કાઢી શકાય તે સમયે ભારતમાં સરેરાશ આયુષ્ય માત્ર ૩૫ વર્ષનું જ હતું. રંગસૂત્રને અંગ્રેજી મૂળાક્ષર પરથી ‘વાય’ નામ આપ્યું એટલે દીકરાઓ વાંકા હોય છે તેવી મહિલા વર્ગમાં લોકપ્રિય થવા અવૈજ્ઞાનિક અને હાસ્યાસ્પદ કરતાંય મૂર્ખામીભરી વાત થઈ આ.
૭. કલમઘસુનું વધુ એક જૂઠાણું પણ જોવા જેવું છે. મૌર્ય-ગુપ્ત કરતાં મોગલોએ વધુ રાજ્ય કર્યું. મોગલપ્રિય થવા વધુ એક જૂઠાણું. મૌર્ય વંશે ઈ. સ. પૂર્વે ૩૨૧થી ૧૮૫ સુધી એટલે કે ૧૩૬ વર્ષ શાસન કર્યું. ગુપ્ત વંશે ઈ. સ. ૨૪૦થી ૫૭૯ સુધી એટલે કે ૩૩૯ વર્ષ શાસન કર્યું. જ્યારે મોગલોએ ઈ. સ. ૧૫૨૬થી ૧૮૫૭ સુધી શાસન કર્યું. એટલે કે ૩૩૧ વર્ષ. છે ને જૂઠાણાંની હારમાળા?
૮. ઔરંગઝેબે ગાદી માટે સગા ભાઈઓની હત્યા કરી. પિતાને કારાવાસમાં પૂર્યા. બીજી ક્રૂરતાઓના કિસ્સા તો આનાથી પણ વધુ છે. ઔરંગઝેબે જ્યારે પિતા શાહજહાંને કારાવાસમાં પૂરતા પાણીથી પણ વંચિત રાખ્યા ત્યારે શાહજહાંએ ફારસીમાં પત્ર લખી કહ્યું હતું – “એ પિસર તૂ અજબ મુસલમાની, બ પિદરે જિંદા આબ તરસાની, આફરીન બાદ હિંદવાન સદ બાર, મૈં દેહંદ પિદરે મુર્દારાવા દાયમ આબ’. એટલે કે હે મારા દીકરા, તું કેવો મુસલમાન છે? જીવિત પિતાને પાણી માટે તરસાવે છે. એક આ હિન્દુઓ છે જેની સો-સો વાર પ્રશંસા કરું છું કેમ કે તેઓ પોતાના મરેલા પિતૃઓને પણ પાણી આપે છે. પરંતુ ઔરંગઝેબ પર લખતી વખતે આ નહીં લખવાનું કારણકે હિન્દુઓની સારી બાબત લખો તો કબરમાંથી ઔરંગઝેબ મારવા દોડે.
૯. અત્યારે વક્ફ ખરડો આવવાનો હોય ત્યારે નાહકનો વિવાદ ન થાય અને વાતાવરણ ન બગડે (જોકે નાગપુરમાં કટ્ટરવાદી ટોપીધારીઓ તરફથી હિંસા તો થઈ જ) તે માટે કોઈ હિન્દુવાદી નેતા એમ કહે કે લડવાનું ઔરંગઝેબની વિચારધારા સામે છે, કબર સામે નહીં, પરંતુ જે ઔરંગઝેબ કે જે કટ્ટરવાદીઓ કબરમાં રાખીને કાયમ જીવતા રાખવા નથી માગતા તે કબર રાખીને જગ્યા શા માટે ફાલતુમાં વેડફવાની? શ્રી રામજન્મભૂમિ માટે જેવી દલીલો થતી હતી તેમ અહીં કોઈ ચબૂતરો બનાવી દો. પક્ષીઓને ચણ ખાવા તો મળશે. હાસ્પિટલ તો આવી જગ્યાએ ન જ બને. તેના માટે ગ્રહ શાંતિ કરાવીને જમીન ચોખ્ખી કરાવવી પડે.
૧૦. કબર સામે અહિંસક વિરોધ કરનારા હિન્દુઓ લુચ્ચા અને કબર માટે હિંસા કરનારા કટ્ટરવાદી જિહાદીઓ બેવકૂફ એમ? આટલું તુષ્ટિકરણ તો કાંગ્રેસ અને સપાવાળા પણ નથી કરતા.
૧૧. સાંપ્રત સમયમાં ઘટતી ઘટનાઓમાંથી કેટલીક પસંદગીની ઘટનાઓ ઉઠાવીને ભારતને નીચું ચિતરવાનું. ભારતના સંદર્ભમાં તથાકથિત અંધશ્રદ્ધા કે કટ્ટરતાની વાત જ લેવાની અને વિદેશ- એમાંય જ્યાં જઈને આવભગત કરાવવાની હોય તેવા અમેરિકામાં કંઈ અવકાશની ઘટના ઘટે તો એમ વાત કરવાની કે ત્યાં લોકો અંતરિક્ષમાં જઈ પાછા આવે છે ને ભારતમાં લોકો કબરના મુદ્દે લડે છે ! આવું તો અમેરિકા મુદ્દેય કહી શકાય કે ભારતે આધુનિક જીયોગ્રાફિક ઇન્ફાર્મેશન સિસ્ટમ (જીઆઈએસ)ની સહાયથી ભારતમાલા, સાગરમાલા, વગેરે જેવા રેલવે, રાડ, બંદરગાહો, જળમાર્ગો, વિમાનમથકો, માસ ટ્રાન્સપાર્ટ, લાજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક રીતે આવાગમનનાં જોડાણ પૂરાં પાડવાનો ગતિશક્તિ પ્રાજેક્ટ ૧૩ આૅક્ટોબર ૨૦૨૧ના દિને શરૂ કર્યો હતો અને અમેરિકનો હજુ ૧૩ના આંકને અપશુકનિયાળ માને છે.
ભારતમાં ઓછું ભણેલા લોકો પણ ઇવીએમથી મતદાન કરે છે જ્યારે અમેરિકા જેવો વિકસિત – સુપરપાવર દેશ હજુ ૨૦મી સદીની જૂની મતપત્રકની પદ્ધતિથી ચૂંટણી યોજે છે જેમાં ધાંધલી થાય છે. ભારતમાં ઓછું ભણેલા – શાકભાજીના વેપારી કે રેકડીવાળા પણ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ વાપરે છે જ્યારે અમેરિકામાં પેમેન્ટ બાબતે હજુ પણ લોકો ક્રેડિટ કાર્ડ વાપરે છે. આવી સરખામણી, હવે તો સાશિયલ મીડિયાનો કોઈ સામાન્ય વપરાશકાર પણ કરે છે જેના વીડિયોને આવા ફાલતુ પાસ્ટ-લેખો કરતાં વધુ લાઇક મળે છે.
૧૧. ઔરંગઝેબનું શાસન અફઘાનિસ્તાનથી તમિલનાડુ સુધી હતું? આવાં ગપ્પાં? તમિલનાડુના જિંજીમાં ઔરંગઝેબના સેનાપતિ ઝુલ્ફીકાર ખાને મરાઠાઓની સામે આઠ વર્ષની લાંબી લડાઈ પછી હરાવીને વિજય મેળવ્યો હતો, પરંતુ જે માપદંડથી ઔરંગઝેબનું શાસન તમિલનાડુ સુધી વિસ્તરેલું બતાવાય છે તે જ માપદંડથી તે પહેલાં મરાઠાઓનું રાજ્ય તમિલનાડુ સુધી ન ગણાય? તે પહેલાં વિક્રમાદિત્ય અને ગુપ્ત રાજાઓ શું માખી મારતા હતા? સમ્રાટ અશોકે ક્યાં સુધી રાજ્ય વિસ્તાર્યું હતું? શક-હૂણ-તુર્ક-મોગલોની લાળ કેમ ટપકી હતી? સત્ય એ છે કે ઔરંગઝેબને છત્રપતિ શિવાજી અને તેમના પુત્ર છત્રપતિ સંભાજી વગેરે હિન્દુ મરાઠાઓએ દક્ષિણમાં બહુ ફાવવા જ ન દીધો. એટલે તો ઔરંગઝેબનું મૃત્યુ મહારાષ્ટ્રમાં થયું.
૧૨. ક્રૂર ઔરંગઝેબની અવદશા થઈ. એટલે અત્યારે ક્રૂર શાસકો હશે તેની પણ આવી જ અવદશા થશે તેમ કહીને અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નામ વગર ટોણો મારી દેવાનો. ખૂની તાનાશાહ કહી દેવાના. શું મોદી ક્રૂર છે? મોદી ખૂની તાનાશાહ છે? ત્રણ વાર એમ ને એમ ચૂંટાઈને આવ્યા છે? ઈન્દિરાજીની જેમ કટોકટી લાદી છે? હા, પાકિસ્તાનમાં લશ્કર અને જૈશના આતંકવાદીઓને અજ્ઞાત લોકો મારે છે અને તેનો શ્રેય પાકિસ્તાનીઓ મોદીને આપે છે. તે જો ક્રૂરતા હોય તો આ ક્રૂરતા સારી છે. ભારતમાં નક્સલવાદીઓને ઠાર મારવામાં આવે છે. આ ક્રૂરતા હોય તો આ ક્રૂરતા હોવી જ જોઈએ. નરેન્દ્ર મોદી દિલ્લીમાં બેઠા છે એટલે જ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના રાજમાં ગુંડાઓ ઠાર મરાય છે. યુપીએ સરકાર દિલ્લીમાં હોત તો ફૅક એન્કાઉન્ટરના કેસમાં યોગીને પણ જેલમાં જવું પડ્યું હોત અને ઉત્તર પ્રદેશમાં ગુંડાગીરી છે તે કરતાં અનેક ગણી બિહારમાં લાલુના જંગલરાજ વખતે અને ગુજરાતમાં કાંગ્રેસ શાસનમાં લતીફ-ગુજ્જુખાન પઠાણ-રાજુ રિસાલદારની જેમ ફૂલીફાલી હતી તેમ ફૂલીફાલી હોત. jaywant.pandya@gmail.com