સંત બુબૂડાનાથના આશ્રમમાં રહીને અને તેમના ઉપદેશો સાંભળીને મને કેટલુંક નવા નવા પ્રકારનું જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. બુબૂડાનાથના ઉપદેશોમાંથી જ મને એ સમજાયું છે કે લગ્ન એ એક એવું ફંક્શન છે કે તેને એક બિઝનેસ તરીકે વિકસાવી શકાય છે અને તેમાંથી બહોળા પ્રમાણમાં નફો મેળવી શકાય છે. તેથી અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને સંશોધકો આ લેખ ઓરીજનલ ગંભીરતા સાથે વાંચે એવો ઓરીજનલ અનુરોધ છે.
ના, અહીં લગ્ન કરાવી આપનાર મેરેજ બ્યુરો કે પાર્ટી પ્લોટ ભાડે આપનાર લોકો અથવા તો નાચવા-ગાવાવાળાની મંડળીઓ ભાડે આપનાર કે પછી ભોજન બનાવી અને પીરસી આપનાર ટોળકીઓ ભાડે આપનાર લોકોની વાત નથી. એ લોકો તો બીજાના લગ્ન કરાવી આપનાર અથવા તો બીજાના લગ્નમાં અમુક જાતની ભૂમિકા ભજવનાર ચરિત્ર અભિનેતાઓ ગણાય. અહીંયા તો મેઈન હીરો એટલે કે લગ્ન કરનારની પોતાની વાત છે. માત્ર લગ્ન કરીને માણસ ધારે તો કરોડપતિ બની શકે છે. સંત શ્રી બુબૂડાનાથ કહે છે કે મેરેજ એક બિઝનેસ છે અને લગ્ન કરનાર વરરાજો પોતે એક બિઝનેસમેન છે. મેરેજ બિઝનેસનું મેનેજમેન્ટ જો વરરાજાના પિતાજી સંભાળવાના હોય તો તેને પણ બિઝનેસમેન ગણી શકાય. મેરેજ કંપનીમાં વરરાજાના પરિવારના દરેક સભ્યો કોઈને કોઈ હોદ્દો ધારણ કરીને બિઝનેસ પર્સન બની શકે છે.
ર્રૂેંહ્વી ઉપર વિડીયો બનાવીને મુકનારા નાની એવી વાતને લાંબી લાંબી ખેંચે રાખે છે અને મૂળ વાત છેલ્લે કહે છે એવું કરવાને બદલે સંત શ્રી બુબૂડાનાથ સીધું જ કહે છે કે વરરાજા, તેના દાદાજી, પિતાજી, માતાજી, ભાઈ, બહેન વગેરે પોતાનું સામાજિક નેટવર્ક જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તમામ સ્તરે લોકો પાસેથી લગ્ન કરવા માટે ઉછીના રૂપિયા માંગી શકે છે.
‘‘લગ્ન કરવાના છે, ભાઈ, ઉછીના રૂપિયા આપો. બધું પતે પછી નિરાંતે તમને પાછા આપશું ’’ – આ ડાયલોગ સામાજિક સ્તરે બધે જ વાવલતા રહેવાનો. તમારી સામાજિક આબરૂ સાવ નાખી દેવા જેવી હોય તો પણ લગ્ન ઉછીનામાં ૫૦% સક્સેસ રેશિયો તો હોય જ છે. દાખલા તરીકે તમારે ૧,૦૦૦ જેટલા ઉછીના માગવા લાયક સંબંધો છે તો તેમાંથી ૫૦૦ લોકો કોઈને કોઈ બહાના હેઠળ તમને ‘‘ઠેકાડી’’ દેશે. પણ સામાજિક સ્તરે મહાન અને મદદગાર સાબિત થવાની ઝંખનાવાળા લોકો કોઈને લગ્ન કરવા માટે ઉછીના પૈસા આપવાની તક ગુમાવતા નથી. એટલે ૫૦૦ લોકો પાસે તમે એક એક લાખ રૂપિયા કઢાવો તો પણ તે ૫ કરોડ થાય. આ ૫ કરોડ માંથી લગ્ન તો તમે ૫૦,૦૦૦ કે ૫ લાખમાં પણ પતાવી શકો અને બાકીના તમામ રૂપિયા બેંકમાં મૂકીને એકદમ બેઠા બેઠા તેનું વ્યાજ ખાઈ શકો છો. આ રૂપિયા શેર બજારમાં રોકીને અથવા તો બીજા કોઈ બિઝનેસમાં રોકીને તમે થોડા જ સમયમાં અબજોપતિ બની શકો છો.
આમાં બિન્દાસ રહેવાનું કોઈ રીતે મૂંઝાવાનું નહીં. બુબૂડાનાથ યુનિવર્સિટીનો એક અભ્યાસ કહે છે કે લગ્ન માટે ઉછીના આપનારા લોકો બે થી પાંચ વર્ષ સુધી પૈસા પાછા માંગતા નથી. બુબૂડાનાથ યુનિવર્સિટીની બૂબુડાનંદ કોલેજના પ્રોફેસર બુબૂલાલ કહે છે કે તમને તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશું; અમે ક્યાંય ભાગી જવાના નથી – એવા મીઠા જવાબ સાથે તમે ઉઘરાણી કરનારાઓને ૧૦થી ૧૫ વર્ષ સુધી પણ ઠેકાડી શકો છો. અને લગ્ન પછીના ૧૫ વર્ષ પછી તો એ જ ઉછીના રૂપિયામાંથી એટલા બધા રૂપિયા બનાવી લીધા હોય કે તમારે જિંદગી આખી કોઈની પાસે હાથ લંબાવવાનો વારો પણ ન આવે. સંત બુબૂડાનાથે તેમના ઉપદેશોમાં સ્પષ્ટ કહ્યું છે કે કોઈનું બુચ મારવાનું નથી, લોકોને ફક્ત લબડાવવાના છે. કોઈને સુંદર સુંદર અને મીઠા મીઠા બહાના હેઠળ લબડાવવા એ કોઈ પાપ કે ગૂનો નથી. અને પાંચ કે પંદર વર્ષ પછી તમે અબજો-ખરવોપતિ બની ગયા પછી ઉછીના આપનારે જ્યારે તમે એમના પૈસાનું બુચ મારી દીધું છે એમ માની લીધું હોય ત્યારે જ તમારે એને સરપ્રાઈઝ આપવાની છે અને એમની મૂળ રકમ એમને આભાર સાથે પરત કરવાની છે. આ રીતે તમારા ઉપર એમને વિશ્વાસ ઉડી ગયા પછી પણ તમે પૈસા પાછા આપ્યા હોવાથી એમને તમારા પ્રત્યે ખૂબ માન થશે અને સમાજમાં તમારા વખાણ કરશે કે અંતે એણે પૈસા પાછા આપી દીધા ખરા. એટલે યાદ રાખો કે તમારા સંબંધો આ ‘‘ઉછીનાપટ્ટી’’ના કારણે જ સરવાળે વધુ મજબૂત બનવાના છે. સંત બબુડાનાથના ઉપદેશો સાંભળી સાંભળીને હું એક એવા અર્થશાસ્ત્રીય તારણ ઉપર આવ્યો છું કે કોઈ વ્યક્તિ એકવાર જો બિઝનેસ એંગલથી લગ્ન કરી નાખે તો તેણે બીજો કોઈ બિઝનેસ કે ધંધો કરવાની જરૂર રહેતી નથી. તો દોસ્તો નીકળી પડો લગ્ન કરવા અને લગ્ન માટે ઉછીના તરીકે મેળવેલી તમામ રકમનું શેર બજારમાં અથવા બેંકમાં સુંદર મજાનું રોકાણ કરો. આ વાક્યમાં ‘‘તમામ રકમ’’ શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે ઉછીનાપટ્ટીમાંથી મળેલી રકમ તમારે લગ્નના ફંકશન માટે પણ વાપરવાની નથી. લગ્નના
ફંકશન અને ઘરેણાં, કપડાં વગેરે માટે થતા કુલ ખર્ચ કરતાં ૧૦થી ૧૨ ગણી રકમ તો ફક્ત ચાંદલામાંથી જ ઊભી થઈ જતી હોય છે. ‘‘ચાંદલા પ્રથા બંધ છે ’’- એવું કંકોત્રીમાં છપાવીને ‘‘સામાજિક મહાન’’ અર્થાત ‘‘સામાજિક ડફોળ’’ બનવાની જરૂર નથી. કંકોત્રીમાં જ ચાંદલો જમા કરાવવા માટેનો ક્યુઆર કોડ છપાવો. અને ફંકશન વખતે દરવાજા પાસે જ બે જણને ટેબલ લઈને ચાંદલો લખવા માટે બેસાડી દો… આ રીતે લગ્ન ઉદ્યોગમાંથી વધુને વધુ નફો મેળવવાનો પ્રમાણિક પ્રયત્ન કરો. જો આપના લગ્ન ઓલરેડી થઈ ચૂક્યા હશે તો આ લેખમાં અપાયેલ મહાન આઈડિયા વાંચીને આપને ઓરીજનલ પસ્તાવો થતો હશે. પણ મૂંઝાવાની જરૂર નથી. હાલની પત્નીને છૂટાછેડા આપો અને મહાન અર્થશાસ્ત્રી સંત શ્રી બુબૂડાનાથના ઉપદેશ અથવા તો આઈડિયા મુજબ ફરીથી લગ્ન કરો. છુટાછેડા પછી તમે નવા લગ્ન એની એ જ પત્ની સાથે કરો છો કે કોઈ નવી પત્ની સાથે કરો છો એ જાણવાની કોઈને પડી હોતી નથી. અત્યારે લોકોને બસ, લગ્ન કરનાર લોકોને આર્થિક સહાય આપીને મહાન બની જવામાં જ રસ છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવશો તો તમે પણ આર્થિક રીતે મહાન બની શકશો. સમજદાર લોકોને વધુ કહેવાનું ન હોય. કવિ નર્મદે કહ્યું હોય કે ન કહ્યું હોય, હું તમને કહું છુંઃ યા હોમ કરીને કુદી પડો, ફતેહ છે આગે. naranbaraiya277@gmail.com








































