મેકસીકો સિટીના ઉત્તર-પશ્ચિમમાં એક મોટો અકસ્માત થયો. ક્રોસિંગ પર એક માલગાડી ડબલ-ડેકર બસ સાથે અથડાઈ. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા અને ૪૦ થી વધુ ઘાયલ થયા. આ ટક્કર મેકસીકો સિટીથી લગભગ ૮૦ માઇલ (૧૩૦ કિલોમીટર) દૂર એટલાકોમુલ્કો શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં થઈ. અહીં ગોદામો અને ફેક્ટરીઓ છે.

મેકસીકોની નાગરિક સુરક્ષા એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર જણાવ્યું હતું કે અધિકારીઓ હજુ પણ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં રોકાયેલા છે. તે જ સમયે, રાજ્યના ફરિયાદીની ઓફિસે આ મામલાની તપાસ શરૂ કરી છે. બસ ‘હેરાડુરા ડી પ્લાટા’ નામની બસ લાઇનની હતી, જે ટક્કર બાદ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. એજન્સીએ પુષ્ટિ આપી છે કે અકસ્માતમાં ૧૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૪૧ લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઘાયલોને રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ તાત્કાલિક જણાવ્યું ન હતું કે અકસ્માત કેવી રીતે થયો. મેકસીકોની રેલ પરિવહન નિયમનકારી એજન્સીના તાજેતરના અહેવાલ મુજબ, લેવલ ક્રોસિંગ પર અકસ્માતો સૌથી સામાન્ય છે અને તાજેતરના વર્ષોમાં તેમની સંખ્યામાં વધારો થયો છે. અહેવાલ મુજબ, ગયા વર્ષે આવા ૮૦૦ અકસ્માતો થયા હતા, જ્યારે ૨૦૨૦ માં આ સંખ્યા ૬૦૨ હતી. જોકે, આ અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનો અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.