મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના વિભાગો અને જિલ્લા કચેરીઓની કામગીરી તથા અરજદારો સાથે સંવેદનાપૂર્ણ વ્યવહાર માટે સતત મોનિટરિંગ કચેરીઓની પ્રત્યક્ષ અને ઓચિંતી મુલાકાત દ્વારા કરતા રહે છે.આ સંદર્ભમાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના જિલ્લા કચેરીઓની ઓચિંતી મુલાકાતનો ઉપક્રમ તેમણે અપનાવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપક્રમમાં ગુરુવારે ગાંધીનગરમાં સહયોગ સંકુલમાં કાર્યરત ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરની કચેરીની મુલાકાતે ઓચિંતા જ પહોંચ્યા હતા.
સહયોગ સંકુલના બી-બ્લોકમાં આવેલી આ કચેરી સાથે જ કાર્યરત વાસ્મોની જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ કચેરીની કામગીરીની વિગતો પણ મુખ્યમંત્રીએ આ ઓચિંતી મુલાકાત દરમિયાન મેળવી હતી.તેમણે હેલ્પલાઈન પર મળતી ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ માટે કરવામાં આવતી કાર્યવાહીની જાણકારી પણ અધિકારીઓને પુછપરછ કરીને મેળવી હતી. તેમજ ગ્રામીણ સ્તરની પાણી સમિતિઓની રજૂઆતો હલ કરવા માટે થતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે આ અગાઉ ખેડા જિલ્લામાં તેમના પ્રવાસ દરમિયાન ત્યાંની કચેરીઓ તથા ગાંધીનગરના જુના સચિવાલય સંકુલમાં આવેલી કચેરીઓની સરપ્રાઈઝ વિઝીટ પણ કરેલી છે. મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાતથી સહયોગ સંકુલમાં આવેલી કચરીઓના અધિકારી-કર્મચારીઓએ સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રીના આ પ્રો-એક્ટિવ, પ્રો-પીપલ ગવર્નન્સના અભિગમથી પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીના સચિવ ડો. વિક્રાંત પાંડે અને ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ આ સરપ્રાઈઝ વિઝીટમાં મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.