એક હતો મંકોડો. એનું નામ હતું મિંટુ. આખોય દિવસ મિંટુ રમ્યા કરે ને ફર્યા કરે. મિંટુ ખાવાનો શોખીન. આખોય દિવસ ક્યાંક ને ક્યાંક ફર્યા કરે ને નવી નવી ખાવાની ચીજ શોધ્યા કરે. એક સવારે મિંટુ આમતેમ ફરતો હતો, ત્યાં એને એક મીઠી સુગંધ આવી. ‘વાહ! આ શેની સુગંધ છે? લાવ જોવા તો દે!’ મિંટુ મનોમન બોલ્યો અને સુગંધ તરફ આગળ ચાલ્યો.
ચાલતાં ચાલતાં તે એક રસોડામાં પહોંચી ગયો. એણે જોયું કે રસોડાના એક ખૂણામાં ગોળની ઢેફલી પડી હતી. ગોળની ઢેફલી જોઈ મિંટુની આંખો ચમકી ને જીભ લબકી! એને થયું આજે તો મીઠો મીઠી ગોળ ખાવાની મજા પડશે મજા!
મિંટુ ધીમે ધીમે ગોળની નજીક પહોંચ્યો ને ચપટીક ગોળ ચાખી લીધો. એણે વિચાર્યું, ‘અરે! આ ગોળ તો બહુ મીઠો છે! લાવ હવે પેટ ભરીને ખાઈ જ લઉં! આજે તો ગોળની પાર્ટી મળી પાર્ટી!’ મીઠો મીઠો ગોળ ખાવા એણે ઝટ દઈને ગોળની ઢેફલી પર ચડવાનો પ્રયત્ન કર્યો. પણ અરે રે! આ શું! મિંટુભાઈ ફસાયા! ગોળ તો ચીકણો હતો. તેનો એક પગ ગોળમાં બરાબર ચોંટી ગયો. મિંટુએ જેમ જેમ પગ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો તેમ તેમ તે વધુ ને વધુ ફસાતો ગયો. તેનો બીજો પગ પણ ચોંટી ગયો. ધીમે ધીમે મિંટુ આખોય ગોળમાં ચોંટી ગયો હતો.
ગોળ ખાવા દોડતા જાય,
ધીમે ધીમે ફસાતા જાય,
મિંટુભાઈ ચોંટતા જાય!
તેણે બહાર નીકળવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ તે બહાર નીકળી શક્યો નહિ. હવે તો મિંટુ ખૂબ ગભરાઈ ગયો. એણે બૂમો પાડી, ‘હેલ્પ મી પ્લીઝ! હેલ્પ મી પ્લીઝ! હું ફસાઈ ગયો છું!’ પણ એની બૂમો કોઈ સાંભળી શકે તેમ નહોતું. એ ઘણો પસ્તાયો. એને થયું, ‘હુંય મુઓ આ ગોળની ઢેફલી જોઈ નાહકનો લલચાઈ ગયો! ઉતાવળમાં ને ઉતાવળમાં આ ગોળ ચીકણો છે તે પણ ન જોયું. વગર કાંઈ જોયે ને વગર કાંઈ વિચાર્યે નાહકનો હું લપસી પડ્‌યો! હાય હાય આ તો ગોળ છે કે ગુંદર! હવે અહીંથી હું બહાર કેવી રીતે નીકળીશ!’ કોઈની મદદની આશાએ ફરીથી એણે બૂમો પાડવાનું શરૂ કર્યું.
ગોળની ગંધ પારખી કીટ્ટુ કીડી પણ ત્યાં જ આવી રહી હતી. એને મિંટુનો અવાજ સંભળાયો. કીટ્ટુએ જોયું કે મિંટુ ગોળમાં ફસાયો છે. ‘અરે મિંટુ! તું અહીં શું કરે છે? અને આ શું થયું છે તને?’ કીટ્ટુએ પૂછ્યું.
મિંટુએ રડતાં રડતાં બધી વાત કરી. કીટ્ટુને મિંટુની દયા આવી. એણે મિંટુને મદદ કરવાનું વિચાર્યું. એ દોડતી ગઈ ને દોડતી આવી. તે પોતાના મિત્રોને બોલાવી લાવી. થોડી વારમાં ઘણી બધી કીડીઓ ત્યાં આવી ગઈ. બધાએ ભેગા મળીને મિંટુને ગોળમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. બધી કીડીઓ કામે વળગી. ધીમે ધીમે કરીને મિંટુની આસપાસનો ગોળ દૂર કર્યો. મિંટુ ગોળમાંથી છૂટ્યો. કીડીઓએ ઘણી મહેનત કરી.
કીટ્ટુ બોલી, ‘અરે મિંટુ, તું પણ શું આમ ગોળ જોઈને કૂદી પડ્‌યો. ગોળ ખાવાની આટલી બધી ઉતાવળ! જરા જોઈને તો ઢેફલી પર ચડવું હતું!’
‘હા કીટ્ટુ, ગોળની ઢેફલી જોઈ મારું મન લલચાયું. વગર વિચાર્યે હું ગોળ ખાવા ચડી ગયો. પણ હવે હું જરૂર સાવચેત રહીશ.’ એમ કહેતાં મિંટુએ કીટ્ટુનો આભાર માન્યો.
mo. ૯૦૯૯૧૭૨૧૭૭