ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર સહિત દેશભરના અનેક રાજ્યો માર્ચના પહેલા અઠવાડિયામાં એપ્રિલ જેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દિવસો વધુ તેજસ્વી અને તડકાવાળા બની રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો પંખા, કુલર અને એસીનો ઉપયોગ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠવાડા, ઓડિશા, તેલંગાણાના આંતરિક ભાગો, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં મહત્તમ તાપમાન ૩૭-૪૦° સેની વચ્ચે નોંધાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૦° સેની આસપાસ રહી રહ્યું છે.
ભારતના મેદાની વિસ્તારોમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ઓડિશાના ઝારસુગુડામાં ૩૯.૬ સે નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કોંકણ, ગોવા અને આસામમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૪-૮° સે વધુ છે. લઘુત્તમ તાપમાન ૧૩.૩° સે થી ૧૯.૮°સેની વચ્ચે છે.
હવામાન વિભાગના તાજેતરના હવામાન બુલેટિન અનુસાર, મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા વધારે હતું, જે રાજ્યભરમાં ગરમીનું મોજું ચાલુ રહેવાનો સંકેત આપે છે. મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૫.૭° સે નોંધાયું હતું, જે મોસમી સામાન્ય કરતા ૪.૫ ડિગ્રી વધારે છે. આ પ્રદેશમાં લઘુત્તમ તાપમાન ૨૪°ઝ્ર હતું, જે સામાન્ય કરતા ૨ ડિગ્રી વધારે છે. જલગાંવમાં મહત્તમ તાપમાન ૩૮ સે નોંધાયું હતું, જ્યારે સોલાપુરમાં ૩૮.૪ સે નોંધાયું હતું, જે આ ક્ષેત્રમાં સૌથી વધુ છે. ઔરંગાબાદ અને માલેગાંવ બંનેમાં મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે આ વર્ષે ગરમીના દિવસોની સંખ્યા વધી શકે છે, અને મે મહિનાને બદલે એપ્રિલની શરૂઆતમાં ગરમ પવનો શરૂ થવાની સંભાવના છે. ૫ માર્ચે કોંકણના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું તીવ્ર બની શકે છે. કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિની અપેક્ષા છે.
પશ્ચિમી વિક્ષેપના કારણે ૫ થી ૧૧ માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ૯ માર્ચે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં અને ૧૧ માર્ચે બિહારમાં વરસાદની અપેક્ષા છે. ૮ માર્ચથી ૧૧ માર્ચ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદની સંભાવના છે.