શાકભાજી એ દૈનિક આહારનો એક ખૂબ જ મહ¥વનો પોષકતત્વોથી ભરપૂર ભાગ છે. શાકભાજીમા ખાસ કરીને ગૌણ પોષકતત્વો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોય છે. શાકભાજીમાં મહત્વના પોષકતત્વો જેવા કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી-૬, વિટામિન ઇ અને ફોલિક એસિડ, લોહતત્વ અને મેગ્નેશિયમ જરૂરી માત્રામાં હોય છે. આ ગૌણ પોષકતત્વો ઉપરાંત શાકભાજીમાં કાર્બોદિત પદાર્થો, પ્રોટીન અને શક્તિ પણ હોય છે જે માનવ આહારનો અગત્યનો ભાગ છે. હાલના સમયમાં ગામડા અને શહેરોમાં રહેતા મોટા ભાગના લોકો શાકભાજી બજારમાંથી લાવે છે. તે શાકભાજીમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવેલ હોય છે. તેનાથી રક્ષણ મેળવવા એક ખૂબ જ સારી પદ્ધતિ છે, જેમાં આપણે ઓછી જગ્યામાં સારા શાકભાજી ઉગાડી શકીએ છીએ.
ગામડા અને શહેરની પડતર જમીનમાં ફળ, ફૂલ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવે તો ઘણી રીતે ઉપયોગી બની શકે છે. ફળ અને શાકભાજી મનુષ્યના સમતોલ આહાર માટે અતિ આવશ્યક છે. તેમજ શરીરની તંદુરસ્તી માટે ઘણા જ ઉપયોગી છે. ગામડાઓમાં સ્વાભાવિક રીતે ઘરની પાછળ અથવા આજુબાજુમાં શાકભાજી તેમજ ફળો ઉગાડવા માટે પૂરતી જગ્યા મળી શકે છે પરંતુ શહેરોમાં નાના મકાનો અને એપાર્ટમેન્ટના લીધે આવી ખુલી જગ્યાઓનો અવકાશ રહેતો નથી, પરંતુ આપણે મકાન અને ફ્લેટની બાલ્કનીમાં અને તેમજ અગાસી પર ખુલ્લી જગ્યાનું વોટર પ્રૂફિંગ કરી તેમજ કુંડામાં પણ શાકભાજી ઉગાડી શકાય છે. અગાસી પર શાકભાજી ઉગાડવાથી ફ્લેટ ઉપર ભાર ન આવે તે માટે આપણે માટીની જગ્યાએ કોકોપીટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.કોકોપીટના ઘણા ફાયદાઓ છે. તે ઉત્તમ પાણીની જાળવણી પ્રદાન કરે છે, પાણી આપવાનું આવર્તન ઘટાડે છે અને તેની છિદ્રાળુ રચના છોડના સ્વસ્થ વિકાસ માટે મહત્વપૂર્ણ મૂળ વાયુ મિશ્રણને પ્રોત્સાહન આપે છે. તે હલકુ અને સંભાળવામાં સરળ છે. ઘર આંગણાની ખેતીના ઘણા ફાયદાઓ છે. જેમકે મનપસંદ અને પોષ્ટિક શાકભાજી, ફળ અને ફૂલ નિયમિત રીતે મળી રહે છે. રસોડાના કેમિકલ વગરના પાણીનો સદુપયોગ થાય છે. (ક્રમશઃ)













































