રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એકવાર સેલ્ફીનો મોહ એક યુવક માટે ગંભીર અકસ્માતનું કારણ બન્યો છે. મહેસાણાનો યુવક જાખમી રીતે સેલ્ફી લેવાના પ્રયાસમાં ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, જેને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટના ફરી એકવાર એ સવાલ ઊભો કરે છે કે શું પ્રવાસીઓ પોતાના શોખ ખાતર જીવ જાખમમાં મૂકી રહ્યા છે?
મહેસાણાનો વિષ્ણુભાઈ ઠાકોર માઉન્ટ આબુ ફરવા ગયો હતો, જ્યાં સેલ્ફી લેતી વખતે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડ્યા. આ દ્રશ્ય જાઈને ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. તાત્કાલિક માઉન્ટ આબુ નગરપાલિકાની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આશરે એક કલાકની જહેમત બાદ સ્ટ્રેચરની મદદથી વિષ્ણુભાઈને ખીણમાંથી બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આબુરોડના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.
ચિંતાની વાત એ છે કે, માઉન્ટ આબુમાં માત્ર એક જ મહિનામાં આ બીજા આવો બનાવ બન્યો છે. ગત મહિને પણ અમદાવાદના એક યુવકનું સેલ્ફી લેવાના પ્રયાસમાં ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડવાથી મૃત્યુ થયું હતું. આ બંને ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે પર્યટન સ્થળો પર સેલ્ફીનો જાખમી ટ્રેન્ડ કેટલો જીવલેણ બની રહ્યો છે.
આવા અકસ્માતો પછી પ્રવાસીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. શું પ્રવાસી સ્થળોએ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા છે? શું જાખમી સ્થળો પર ચેતવણીના બોર્ડ પૂરતા પ્રમાણમાં લગાવવામાં આવ્યા છે?
સ્થાનિક પ્રશાસન દ્વારા હવે આ બાબતે કડક પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે. જાખમી સ્થળો પર વાડ અથવા અવરોધ ઊભા કરવા અને સ્પષ્ટ ચેતવણીના બોર્ડ લગાવવા અત્યંત જરૂરી છે. પ્રવાસીઓએ પણ પોતાની જવાબદારી સમજવી જાઈએ. એક તસવીર કે વીડિયો માટે જીવ જાખમમાં મૂકવો એ કોઈ પણ રીતે સમજદારીભર્યું નથી.
આ ઘટના પ્રવાસીઓ માટે એક લાલબત્તી સમાન છે. સુંદર દૃશ્યોનો આનંદ માણો, યાદગાર પળો કેદ કરો, પરંતુ હંમેશા પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપો. યાદ રાખો, એક ભૂલ જીવનભરનો પસ્તાવો બની શકે છે.