જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકામાં ૨૦ વર્ષ બાદ સત્તામાં આવેલી ભાજપની પેનલ સામે ભારે રાજકીય હલચલ સર્જાઈ છે. વહીવટી અણઆવડત, આર્થિક તંત્રના ધ્વસ્ત થવાના આક્ષેપો અને નગરપાલિકાની મિલકત જપ્ત થવાની શરમજનક સ્થિતિને મુદ્દો બનાવી કોંગ્રેસે પ્રમુખ ક્રિષ્ણાબેન થાપણીયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ભાજપના જ ૮ સભ્યોની નારાજગી વચ્ચે કોંગ્રેસની આ ચાલથી માંગરોળનું રાજકારણ ગરમાયું છે. માંગરોળ નગરપાલિકામાં કુલ ૩૬ સભ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાસે ૧૫-૧૫ સભ્યો છે, જ્યારે બસપાના ૪, આપનો ૧ અને ૧ અપક્ષ સભ્ય છે. અત્યાર સુધી ભાજપ-બસપા ગઠબંધનથી સત્તા ચાલી રહી હતી. પરંતુ આંતરિક વિખવાદ અને શાસકોની કામગીરીથી અસંતોષ ધરાવતા ભાજપના ૮ સભ્યોએ બળવો કરતા હવે સત્તાનું ગણિત બદલાતું દેખાઈ રહ્યું છે. આ નારાજગી કોંગ્રેસ માટે ‘સત્તા પલટો’ કરવાનો મોટો મોકો બની છે. કોંગ્રેસે ચીફ ઓફિસરને પાઠવેલા પત્રમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમાં જણાવાયું છે કે નગરપાલિકાના મહત્વના નિર્ણયો ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં પરંતુ બિનઅધિકૃત લોકો દ્વારા લેવામાં આવી રહ્યા છે. વહીવટી નિષ્ફળતાના કારણે પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે અને આર્થિક તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું છે. તાજેતરમાં કોર્ટ દ્વારા નગરપાલિકાનું ફર્નિચર, પંખા, ટેબલ અને કોમ્પ્યુટર જપ્ત કરવાની કાર્યવાહી થવી પાલિકાની પ્રતિષ્ઠા માટે મોટો ફટકો માનવામાં આવી રહી છે. ઉપરાંત પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરૂ પાડવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ છે, જેના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ભાજપ પાસે સંખ્યાબળ હોવા છતાં ૮ સભ્યોની નારાજગી તેને લઘુમતીમાં મૂકી શકે છે. જો કોંગ્રેસને આ નારાજ સભ્યોનો ટેકો મળે, તો ૨૦ વર્ષ બાદ મળેલી સત્તા ભાજપ ગુમાવવાની આરે આવી શકે છે. હાલ પ્રમુખ તરીકે ક્રિષ્ણાબેન થાપણીયા અને ઉપપ્રમુખ તરીકે સૈયદ અબ્દુલ્લાહમીયા કાર્યરત છે. બીજી તરફ ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયાએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે તેઓ બસપાના મેન્ડેટ પર ચૂંટાયા છે અને ભાજપના ટેકાથી વિકાસના કામો કરી રહ્યા છે. ભૂગર્ભ ગટર, પાણી અને સફાઈ માટે પાલિકા પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે નારાજગીની વાત માત્ર સોશિયલ મીડિયા અને અફવાઓ પૂરતી છે. અમારી પાસે કોઈ સત્તાવાર અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો નથી. ભ્રષ્ટાચારના આક્ષેપો પાયાવિહોણા છે અને આ માત્ર સત્તા હડપવા માટેનો રાજકીય પ્રોપગેન્ડા છે. કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ બાદ હવે ચીફ ઓફિસર અને કલેક્ટરની ભૂમિકા મહત્વની બની છે. જો મતદાન થશે, તો ભાજપ પોતાના નારાજ સભ્યોને મનાવવામાં સફળ થાય છે કે કોંગ્રેસ સત્તા પલટો કરે છે—તેના પર સમગ્ર માંગરોળની રાજકીય નજર ટકેલી છે.






































