ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરતી વધુ એક શરમજનક ઘટના મહેસાણા જિલ્લામાંથી સામે આવી છે. લાઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં માત્ર ૧૫ વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવવામાં આવી, જેના પરિણામે આ ફૂલ જેવી દીકરી ગર્ભવતી બની અને તેણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ જન્માવ્યો છે.
મળતી માહિતી મુજબ, પીડિત સગીરાનો પરિવાર અત્યંત સામાન્ય છે. સગીરાની માતા રોજગારી મેળવવા માટે મજૂરી કામે જતી હતી. પાછળથી દીકરી ગામમાં આવેલા મહાકાળી માતાના મંદિર પાસે બેસીને માતાની રાહ જાતી હતી. સગીરાની આ એકલતાનો ફાયદો ગામના જ જીગરજી ઉર્ફે જીગો વિષ્ણુજી ઠાકોર નામના શખ્સે ઉઠાવ્યો હતો.
આરોપી જીગરજી સગીરાને લગ્નની અનેક લાલચો આપી, ફોસલાવીને મહાકાળી માતા અને વેરાઈ માતાના મંદિર પાછળ આવેલી અવાવરુ જગ્યામાં લઈ જતો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા.
હવસખોરના આ જઘન્ય કૃત્યને કારણે ૧૫ વર્ષની સગીરાને ૭ માસનો ગર્ભ રહી ગયો હતો. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ, ત્યારે સમાજમાં થનારી બદનામીના ડરથી માતાએ આ વાત કોઈને કહી નહોતી. પરંતુ, અચાનક સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.
પરિસ્થિતિ  એટલી ગંભીર હતી કે સગીરાએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપી દીધો હતો. હાલમાં પીડિતા અને બાળક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. લાઘણજ પોલીસના પીએસઆઇ વાય.એ. પરમારે હોસ્પિટલ  પહોંચીને પીડિતાની ફરિયાદ નોંધી છે. પોલીસે આરોપી જીગરજી ઠાકોર સામે મ્દ્ગજી અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ટીમો દોડાવી છે.
રાજ્યમાં સગીરાઓ સાથે દુષ્કર્મની આ કોઈ એકમાત્ર ઘટના નથી. તાજેતરમાં જ અન્ય જિલ્લાઓમાંથી પણ કાળજું કંપાવી દે તેવા કિસ્સા સામે આવ્યા છે ઃ વડોદરામાં ચોકલેટની લાલચઃ મકરપુરા વિસ્તારમાં ૧૬ વર્ષની સગીરાને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું, જેના કારણે સગીરાને ૬ મહિનાનો ગર્ભ રહી ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા છે.
એક વર્ષ અગાઉ સતલાસણા પંથકમાં ૧૫ વર્ષની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપી રાહુલજી ઠાકોરને કોર્ટે ૨૦ વર્ષની સખત કેદ અને ૩ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
સાબરકાંઠા-અરવલ્લીઃ વડાલી અને મેઘરજમાં ધોરણ-૧૧ માં ભણતી બે સગીરાઓને લગ્નની લાલચ આપીને રાજસ્થાન અને અમદાવાદ લઈ જઈને પીંખી નાખવામાં આવી.
ગઢડામાં ભાઈના મિત્રએ જ આબરૂ લૂંટીઃ માતા-પિતા વિહોણી અનાથ સગીરા પર તેના ભાઈના ૪૦ વર્ષીય પરણિત મિત્ર બેચર જાડાએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી. પેટમાં દુખાવો થતા ભાંડો ફૂટ્યો અને પોલીસે આરોપીને જેલ ભેગો કર્યો.