RAILWAY EXPRESSમાં મહેન્દ્રસિંહ પરમારના સ્વરમાં જનક ત્રિવેદીનો નિબંધ “બાપુની ગાડી અને બીજા કિસ્સા” સાંભળીને માત્ર આનંદાભિરંજીત જ નહીં, જ્ઞાનાભિરંજીત પણ થઇ જવાયું…
મહેન્દ્રસિંહ પરમાર માત્ર ગુજરાતી પ્રોફેસર જ નહીં, નાટક, કવિતા, વાર્તા, વિવેચન સહિત સર્વ સાહિત્યના જ્ઞાતા અને એક રસધાર અવાજના માલિક છે. તો જનક ત્રિવેદી કોલેજકાળથી જ મારા મનગમતા કલમકાર રહ્યા છે. પુસ્તકોમાં “બાવળ વાવનાર” જનકભાઇએ બહુ નાનપણથી જ મારી અંદર રેલવેની અનોખી દુનિયા ઉગાડી છે. એક રિપોર્ટર તરીકે મારે રેલવે જગતને પ્રત્યક્ષ જોવા સમજવાનું બન્યું તે પહેલા રેલવેની ઘણી ખરી દુનિયા તો મેં જનક ત્રિવેદીની કલમ થકી જ માણેલી.
…એટલે મનભાવન સ્વરકાર મહેન્દ્રસિંહના અવાજમાં જનકભાઇની જબાનને સાંભળીને “અહો-અહો” થઇ જવાયું. ભાવનગર ડિવિઝનનો બાપુ-ગાડીનો એ જમાનો અને રેલ અધિકારીઓનો બાબુશાહીનો એ જમાનો, એ સમયના સ્ટેશન માસ્તરો, લાગવગશાહી વગેરે એકદમ જીવંતભાવે પ્રત્યક્ષ થયા. મિસીસ કેમલના મૃત્યુવાળો રમૂજી કિસ્સો સાંભળવાની “છલોછલ” મજા પડી.
ઓડિયો ક્રિએશનમાં ટેકનિકલ મામલે પણ સરસ કામ થયું છે. પ્રથમ તો કાને પડે છે એ જમાનાની રેલગાડીઓનો “છૂકભકાટ” અને પછી શરુ થાય છે નિબંધની મહેન્દ્રીય જનકવાણી. સમગ્ર વાત-વર્ણનમાં તો રેલવે છે જ; બેકગ્રાઉન્ડમાં પણ છે, એ ઉપરાંત વચ્ચે વચ્ચે પરિચ્છેદ પરિવર્તન વેળા પણ બુલંદ બનતો રેલધ્વનિ શ્રોતાને રેલમય બનાવી મૂકે છે. મહેન્દ્રસિંહે રીતસર રેલના સૂર રેલાવ્યાં છે. મજા એ છે કે મહેન્દ્રસિંહ “આંગિકમ ચ વાચિકમ્‌”ના પણ માણસ છે. એટલે નિબંધ-પઠન દરમ્યાન પ્રસંગ નિરુપણમાં જ સંવાદખંડ આવે છે તે માત્ર સીધું-સાદું પઠન ન રહેતાં એક “લઘુનાટ્ય પ્રસ્તુતિ”ના રુપમાં આપણા કર્ણ સમક્ષ ઉપસી આવે છે. ઓવરઓલ, મહેન્દ્રસિંહનું બહુઆયામી વ્યક્તિત્વ માત્ર આનંદાભિમૂખ જ નહીં, રેલ-જ્ઞાનાભિમૂખ પણ કરે છે.
હું જ્યારે શામળદાસ કોલેજમાં અંગ્રેજી વિભાગના વિદ્યાર્થી તરીકે ભણતો ત્યારે વાસ્તવમાં મને ખંડ-મર્યાદામાં સીમિત રહેવું ગમતું નહીં. એટલે હું માત્ર અંગ્રેજી ક્લાસમાં જ નહીં, જ્યારે જે ક્લાસમાં બેસવાનું મન થાય ત્યાં બેસીને મનવાંછિત અધ્યાપકોને હું માણતો. એક જ વિષયમાં રોજરોજ ભણવાનું મને સજા જેવું લાગતું. એટલે ગુજરાતી મારા અભ્યાસનો વિષય નહીં હોવા છતાં ગુજરાતીના ક્લાસમાં પ્રો. જે.આર. ગોહિલ (માય ડીયર જયુ)ને હું માણતો. વળી એવુંય નહીં કે શામળદાસનું છાત્રત્વ ધારણ કર્યું એટલે શામળદાસ પૂરતું જ સીમિત રહેવું. એટલે હું ગુજરાતી ભવનમાં વિનોદ જોષીના વ્યાખ્યાનમાં જઇને પણ બેસતો અને વળિયા કોલેજમાં શિલ્પીન થાનકી સાહેબનાં હિન્દી વ્યાખ્યાનો પણ માણતો. આ રીતે હું આખી યુનિવર્સિટીમાં ગમે ત્યારે ગમે તે વિદ્યાખંડને મારી વિશેષ ઉપસ્થિતિનો સરપ્રાઇઝ લાભ આપતો અથવા લેતો. આ રીતે હું ભાવનગર યુનિવર્સિટીનો પ્રથમ અને એકમાત્ર
“બૃહદ છાત્ર” હતો. એના કારણે લગભગ દરેક પ્રોફેસર અને વિદ્યાર્થીઓ મને ઓળખતા. મહેન્દ્રસિંહ સાથે પણ બથ્થડ ઓળખાણ પહેલેથી જ. ગદ્યસભા અને અન્ય સાહિત્યિક કાર્યક્રમોના કારણે અવારનવાર મળવાનું બનતું. અને તો ય વળી, તખુ બાપુ (પ્રિ. તખ્તસિંહ પરમાર)ની માફક સ્થાનિક વ્યક્તિઓને પણ પત્ર લખવાનો શોખ. એટલે મહેન્દ્રસિંહ સાથે પત્રવ્યવહાર પણ થતો. એમના જવાબ પણ મને મળતા. એમના પત્રો હું વારંવાર વાંચીને મમળાવતો. પણ તોય એક ઇચ્છા અધૂરી રહી ગઇ કે એમના ક્લાસમાં છાત્ર તરીકે ક્યારેય બેસી શકાયું નહીં…
પણ એમના સ્વરમાં જ્યારે RAILWAY EXPRESSમાં મેં જનક ત્રિવેદીના નિબંધનું પઠન સાંભળ્યું ત્યારે લાગ્યું કે આ એક કલાકૃતિનું અનુભાવન માત્ર જ નથી, આ એમનો એક ડિજિટલ ક્લાસ છે. હું એમના ક્લાસમાં ઉપસ્થિત નથી રહી શકતો એટલે એક વિશેષ માધ્યમથી એ વિશેષ ક્લાસ મારા સુધી લંબાયો છે અને મારામાં રહેલું છાત્રત્વ જનક-મહેન્દ્ર જ્ઞાનસરોવરમાં હિલ્લોળા લઇ રહ્યું છે. આ શ્રવણયાત્રા સહુ કોઇએ કરવા જેવી છે.