તેલંગાણાના કરીમનગર જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ એક મહિલા દર્દી પર કથિત રીતે બળાત્કાર થયો છે. મળતી માહિતી મુજબ, મહિલાને ટાઇફોઇડ અને ખૂબ તાવની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા અહીં તેના પર બળાત્કાર થયો હતો. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના ટેકનિશિયનની ધરપકડ કરી છે. તેલંગાણાના કરીમનગરની એક ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા એક મહિલા દર્દી પર બળાત્કાર કરવાના આરોપમાં ૨૪ વર્ષીય ઇમરજન્સી વોર્ડ ટેકનિશિયનની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપીની ઓળખ મહારાષ્ટ્રની રહેવાસી દક્ષિણા મૂર્તિ તરીકે થઈ છે. આરોપી હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.હકીકતમાં, જગતિયાલની રહેવાસી ૨૦ વર્ષીય પીડિતા ટાઇફોઇડ અને ખૂબ તાવની સારવાર લઈ રહી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર, મૂર્તિએ રવિવારે વહેલી સવારે કથિત રીતે શામક દવા આપી હતી. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં મૂર્તિ ઇમરજન્સી વોર્ડમાં પ્રવેશતા, પીડિતાના પલંગ પાસે જતા અને પડદા બંધ કરતા પણ જોવા મળે છે.પોલીસે આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું છે કે પીડિત મહિલાની તબીબી તપાસ કરવામાં આવી છે. હવે તબીબી તપાસના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસે આ મામલે બીએનએસની કલમ ૬૪ હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી  રહી છે.