ડોક્ટર ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાં જ ‘પીન’ ભૂલી જાય તેવી ઘટના ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ આવી જ એક ઘટના થોડા સમય પહેલા અમરેલીના ચિતલ રોડ પર આવેલી એક હોસ્પિટલમાં નોંધાઇ હતી. સાવરકુંડલાની એક મહિલા ગર્ભાશયની કોથળીની સારવાર માટે ર૦રરમાં એક હોસ્પિટલમાં દાખલ થયેલ. દર્દીનું ડોક્ટરે ઓપરેશન તો કર્યું હતું પણ ઓપરેશન બાદ ‘પીન’ પેટમાં રહી ગઈ હતી. ત્રણ વર્ષ સુધી મહીલાએ પેટમાં દુઃખાવો સહન કર્યા બાદ અન્ય હોસ્પિટલમાં પેટનો એક્સ-રે કરવામાં આવતા પેટમાં ‘પીન’ હોવાનું સામે આવતા મહિલાના પરિવારજનો ચોંકી ઉઠયા હતા. તાજેતરમાં જ અમદાવાદની મલ્ટીસ્પેશ્યાલીસ્ટ ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીને કારણે બે દર્દીઓના મોતના સમાચાર તાજા છે ત્યારે સાવરકુંડલામાં નેસડી રોડ પર રહેતા એક ગરીબ મહિલાને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવાનું હોય જેથી અમરેલીમાં ચિતલ રોડ પર આવેલી એક હોસ્પિટલમાં ત્રણ વર્ષ પહેલા દાખલ થઈ હતી અને ડોકટરોએ ઓપરેશન કરી નાખ્યુ હતું. ઓપરેશન બાદ મહિલા પોતાના ઘરે ગયા બાદ થોડા દિવસો પછી પેટમાં સતત દુઃખાવો થતો હોવાથી મહિલાએ આ દુઃખાવો ત્રણ વર્ષ સહન કર્યા બાદ પરિવારજનોને વાત કરી હતી. જેથી મહિલા અને તેના પરિવારજનો અન્ય હોસ્પિટલમાં ગયા હતા. જયાં મહિલાએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી ડોકટરે મહિલાના પેટનો એક્સ-રે કરાવતા પેટમાં ‘પીન’ હોવાનું સામે આવતા મહિલાના પરિવારજનો ચોંકી ઉઠયા હતા. મહિલાના પેટનો દુઃખાવો મટાડવા માટે ફરી ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પેટમાંથી ‘પીન’ કાઢવામાં આવી હતી.

હોસ્પિટલના સંચાલકોએ સમાધાન કર્યું
સાવરકુંડલાના ગરીબ પરિવારની મહિલાને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યા બાદ પેટમાં ‘પીન’ રહી ગઈ હોવાની ઘટના સામે આવતા હોસ્પિટલના સંચાલકો દ્વારા મહિલાના પરિવારજનો સાથે વહીવટ કરી સમાધાન કર્યુ હોવાની વિગતો મળી છે. આવી ગંભીર બેદરકારી દાખવનારા તબીબો સામે પોલીસ ફરિયાદ થાય તેવુ લોકો ઈચ્છી રહ્યાં છે.

બેદરકારી બદલ હોસ્પિટલ સામે કાર્યવાહીની માંગ
અમરેલીના ચિતલ રોડ પર આવેલી એક ખ્યાતનામ હોસ્પિટલમાં મહિલાના પેટમાં ‘પીન’ ભુલાઈ જવાની ઘટના તાજેતરમાં નોંધાઈ છે ત્યારે આવી ઘટનામાં મહિલાનો જીવ પણ જતો રહે તેવી બેદરકારી ડોકટરોએ દાખવી છે. હોસ્પિટલમાં દર્દીઓ વિશ્વાસ સાથે ઓપરેશન કે સારવાર અર્થે દાખલ થતા હોય ત્યારે તબીબો આવી ગંભીર બેદરકારી દાખવતા હોય ત્યારે આવી ગંભીર બેદરકારી બદલ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

જવાબદારોએ માફામાફી કરી હોવાનું સામે આવ્યું
સાવરકુંડલાની મહિલાનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યા બાદ પેટમાં ‘પીન’ રહી ગઈ હોવાનું સામે આવતા તબીબોએ મહિલાના પરિવારજનો સમક્ષ માફા-માફી કરી હોવાનું જાણવા મળ્યુ છે. દર્દીઓ જેને ભગવાન પછીનો દરજ્જા આપે છે તેવા ડોકટરોને દર્દીઓના જીવની કંઈ જ કિંમત ન હોય તેમ ઓપરેશનમાં બેદરકારી દાખવી રહ્યાં છે. પેટમાં આખી ‘પીન’ ભુલી જઈ તબીબોએ પોતાની અણઆવડતનો પરિચય આપ્યો છે.