મધ્ય પૂર્વમાં વધતા લશ્કરી સંઘર્ષ વચ્ચે, ભારતીય ખલાસીઓ વિશે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ એ મંગળવારે પુષ્ટિ કરી હતી કે વિદેશી ધ્વજવાળા જહાજા પર તૈનાત ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી સંઘર્ષ વચ્ચે બની છે, જેણે વૈશ્વિક  વેપાર માર્ગો માટે મોટો ખતરો ઉભો કર્યો છે.
ડીજી શિપિંગના જણાવ્યા અનુસાર, પ્રદેશમાં ભારતીય ખલાસીઓ સાથે સંકળાયેલી ચાર ઘટનાઓ નોંધાઈ છે. બધા ઘાયલ ખલાસીઓ વિદેશી ધ્વજવાળા જહાજામાં કાર્યરત હતા.
દરમિયાન, અબુ ધાબીમાં ફસાયેલા ભારતીય મુસાફરો સોમવારે રાત્રે કર્ણાટકના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય  વિમાનમથક પર તેમના ચહેરા પર રાહતના ભાવ સાથે પહોંચ્યા. મુસાફરોએ જણાવ્યું હતું કે તેઓ ખાડી દેશમાં મિસાઇલ હુમલાના ભય વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા હતા. સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા પછી, તેઓએ વિક્ષેપ દરમિયાન તેમના રહેવા અને પરિવહનની વ્યવસ્થા કરવા બદલ એતિહાદ એરવેઝ, અબુ ધાબી સરકાર અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો.
મેંગલુરુના સૌરભ શેટ્ટી, અબુ ધાબીમાં એક તેલ કંપનીમાં કામ કરે છે. તેમણે પરિસ્થિતિ ને ચિંતાજનક અને ભયાનક ગણાવી. તેમણે કહ્યું કે જ્યારે તેઓ ૨૮ ફેબ્રુઆરીએ ફ્લાઇટ પકડવા પહોંચ્યા ત્યારે બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અચાનક ચેક-ઇન રૂમની નજીક એક એલાર્મ વાગ્યો અને મુસાફરોને બારીઓથી દૂર બેસવાનું કહેવામાં આવ્યું. શેટ્ટીના મતે, “કોઈએ કહ્યું કે મિસાઈલ હુમલો થવાનો છે. અમે સ્તબ્ધ થઈ ગયા. અમને લાગ્યું કે અબુ ધાબી સૌથી સુરક્ષિત શહેર છે. પછીથી, જ્યારે અમે બહાર જાયું, ત્યારે અમને આકાશમાં મિસાઈલો દેખાઈ. અમે ક્યારેય  કલ્પના પણ નહોતી કરી કે અહીં આવું કંઈક થઈ શકે છે.” તેને જીવન બદલી નાખનારી ક્ષણ તરીકે વર્ણવતા તેમણે કહ્યું, “જ્યારે તમે તમારી સામે મિસાઈલ જુઓ છો, ત્યારે એવું લાગે છે કે તે કોઈપણ ક્ષણે તમને અથડાવી શકે છે. મારા હોટલના રૂમમાંથી, હું મિસાઈલોને આકાશમાં અથડાતી જાઈ શકું છું. ત્યારે જ મને ભારતીય સેના સામેના પડકારોનો અહેસાસ થયો. અમને તેમના પર ગર્વ છે.”