મગફળી તેલીબીયા પાકોનો રાજા ગણાતો મૂલ્યવાન રોકડ પાક છે, જે તેની આર્થિક અને પૌષ્ટિક કિંમતને લીધે લાખો નાના ખેડૂતોએ ઉગાડે છે. મગફળી એક વિદેશી હુંડીયામણ રળી આપનારો પાક હોવાથી મોટાભાગના ખેડૂતો દ્વારા વેપાર આધારિત ખેતી હેઠળ, મગફળી એકલ પાક તરીકે ઉગાડવામાં આવે છે, જ્યારે કેટલીકવાર મિશ્ર અથવા આંતરપાક તરીકે પણ જોવા મળે છે. મગફળી માત્ર ખેડૂતો માટે એક આવકનું સાધન નથી, પરંતુ માનવ આરોગ્ય માટે પૌષ્ટિક તત્વોનો ભંડાર છે. મગફળી પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે તથા ૧૦૦ ગ્રામ મગફળીમાં આશરે ૨૫.૮ ગ્રામ પ્રોટીન, ૧૬.૧ ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને ૮.૫ ગ્રામ ફાઈબર હોય છે. તેમાં કેલ્શિયમ, લોહતત્વ, મેગ્નેશિયમ, વિટામિન ઈ અને મ્ સમૂહ (ખાસ કરીને નિયાસીન) પણ સમાયેલ છે. તેનો બહુમુખી ઉપયોગ અને ઉંચી માંગ તેને ખેતી માટે એક લાભદાયક અને લાંબાગાળાનો પાક બનાવે છે. આર્થિક અને પૌષ્ટિક મૂલ્ય વધુ હોવા છતાં, તેની ઉત્પાદકતા અનેક ઘટકો દ્વારા અવરોધાય છે, જેમાં અજૈવિક તથા જૈવિક પરિબળોનો સમાવેશ થાય છે. જૈવિક પરિબળોમાં મુખ્યત્વે વિવિધ પ્રકારના રોગો મગફળીની ગુણવત્તા અને ઉત્પાદકતા પર અસર કરે છે. મગફળીના પાકમાં આવતા ઉગસૂકના રોગની ઓળખ, નુકસાન અને તેના સંકલિત નિયંત્રણ વિશેની માહિતી નીચે મુજબ આપેલી છે.
૧. ઉગસૂકના રોગની ઓળખઃ
જમીનજન્ય ફુગ એસ્પરજીલસ નાઈજરથી થતા આ રોગને તરકીડીનો રોગ, કંઠનો સુકારો, કોલાર રોટ અથવા સીડ રોટ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ ચોમાસું ઋતુમાં મધ્યમ કાળી જમીન ધરાવતા વિસ્તારો ખાસ કરીને જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં વધુ પ્રમાણમાં દેખાય છે. રોગકારક ફૂગ જમીનમાં લાંબા સમય સુધી ઉંચા તાપમાને જીવંત રહી શકે છે. ફૂગ શુષ્ક અને ગરમ વાતાવરણમાં ઝડપથી ફેલાય છે. સંગ્રહ કરેલા બિયારણમાં ભેજનું વધુ પ્રમાણ, મોડું વાવેતર, બીજનું વધુ પડતું ઊંડું વાવેતર, ઉચું તાપમાન તેમજ વાવેતર પછી વરસાદની ખેંચ વગેરે પરિબળો આ રોગ થવા માટેના કારણો છે. મુખ્યત્વે આ રોગ ૨ ભાગના લક્ષણમાં થાય છે.
લક્ષણોઃ
• અંકુરણ પહેલાં Pre-emergence stage:
બીજ જમીનમાં વાવ્યા પછી બીજનું સ્ફુરણ થાય તે પહેલા બીજ પત્રો સડી જાય છે. બીજ ઉગવાની શક્તિ ગુમાવે છે જેથી બીજમાંથી અંકુરણ થતું નથી. આવા બીજને જમીનમાંથી બહાર કાઢી જોવામાં આવે તો કાળા કે ભૂરા રંગના સડી ગયેલા બીજ જોવા મળે છે. બીજનું અંકુરણ ના થવાથી ચાસમાં ખાલા જણાય છે. બીજના ઉગ્યા પહેલા આવતા આ રોગને આગોતરો સુકારો કહેવાય છે.
• અંકુરણ પછી (Post-emergence stage):
છોડનું જમીનમાંથી સ્ફુરણ થઈ ગયા બાદ લગભગ દોઢ માસ સુધી આ ફૂગને કારણે નુકસાન થતું જોવા મળે છે. નાના છોડ અચાનક સુકાઈ જાય છે. મૂળના ઉપરના ભાગે (collar region) કાળો કે કોઠી રંગનો સડો દેખાય છે. આવા રોગીષ્ટ છોડ જમીનની સપાટી પાસે નરમ પડીને સુકાઈ જાય છે. સડેલી જગ્યાએ કાળા રંગની ફૂગ જેવા ધબ્બા (fungal growth) દેખાય છે. સડેલા ભાગ પર એસ્પરજીલસ ફૂગના કાળા સ્પોર જોવા મળે છે. વિકસિત છોડમાં આ રોગ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. વિકસિત છોડ આ રોગને કારણે નબળો અને વિકાસમાં પાછળ રહી જાય છે. પાંદડાં પીળા પડવા લાગે છે અને છેલ્લે સુકાઈ જાય છે. ધરતી ઉપરનો ભાગ સુકાઈ જાય છે પરંતુ મૂળના ભાગ પાસે સડો જોવા મળે છે.
નિયંત્રણઃ
• મગફળીના વાવેતર માટે પ્રમાણિત કરેલ ઉચ્ચ ગુણવત્તાવાળું સારું બિયારણ વાપરવું જોઈએ.
• નુકસાન વિનાના મગફળીના બીજ વાવેતર માટે ઉપયોગમાં લેવા તેમજ મગફળીના બીજને ભેજવાળી જગ્યાએ સંગ્રહ કરવો નહિ.
• આંતરખેડ દરમ્યાન છોડને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવી.
• વહેલું વાવેતર કરવું તેમજ ઘઉં અને ચણા જેવા પાક સાથે પાકની ફેરબદલી કરવી.
• એરંડીનો ખોળ અથવા લીમડાનો ખોળ વાવેતર સમયે ચાસમાં ૫૦૦ કિ.ગ્રા./ હેક્ટર મુજબ આપવો.
• બીજને વાવતા પહેલા એક કિ.ગ્રા. બીજ મુજબ કેપ્ટાન અથવા થાયરમ કે મેન્કોઝેબ કે કાર્બેન્ડેઝીમ + મેન્કોઝેબ દવાનો ૩-૪ ગ્રામ અથવા ટેબુકોનાઝોલ ૧.૨૫ ગ્રામ અથવા પ્રોક્લોરાઝ ૫.૭ + ટેબુકોનાઝોલ ૧.૪% દવાનો ૩ મિ.લિ. પ્રમાણે પટ આપીને વાવેતર કરવું.
• સજીવ ખેતી કરતા ખેડૂતોએ સ્યુડોમોનાસ અથવા ટ્રાઇકોડર્મા જેવા જૈવિક ઘટકનો બીજને વાવતા પહેલા ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ દીઠ પટ આપી વાવેતર કરવું.
• મગફળી ઉપાડી લીધા બાદ તેને તાત્કાલિક સૂર્યતાપમાં રાખવી અને ભેજ રહિત જગ્યાએ સંગ્રહ કરવો જેથી ફૂગનો ચેપ લાગે નહિ.