વાવ-થરાદના ભાભરના નેસડા ગામે દારૂબંધીને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામ લોકોની મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામનો કોઈ વ્યક્તિ દારૂનો નશો કરતા પકડાશે તો 11 હજારનો દંડ કરવામાં આવશે. અને કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કરતા પકડાશે તો રૂપિયા 21 હજારનો દંડ કરવામાં આવશે. ગામના સરપંચ સાથે મળી ગામ લોકોએ નિર્ણય કર્યો છે. આ બાબતે નેસડા ગામના સરપંચ મનસા માળીએ જણાવ્યું હતું કે, સૌને એક વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું છે. વ્યસન મુક્ત થવું જરૂરી છે. નેસડા ગામના તમામ લોકોએ ભેગા મળીને વ્યસન મુક્તિનો નિર્ણય કર્યો છે. જેમાં દારૂનું વેચાણ કરતા પકડાશે તો રૂ. 21000 નો દંડ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે તેમજ દારૂ પીનાર વ્યક્તિને 11 હજારનો દંડ કરવાનું નક્કી કરેલ છે. તેમજ જો કોઈ વ્યક્તિ નહી માને તો તેની સામે સમસ્ત નેસડા ગામના લોકો ભેગા થઈને શું કાર્યવાહી કરવી તે નક્કી કરશે. તેમજ નિયમ ગામમાં રહેતા તમામ લોકોને લાગુ પડશે. આ બાબતે ગામના નાગરિક હેમજી ઠાકોરે જણાવ્યું હતું કે, આજે સમસ્ત નેસડા ગામ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાયું છે. જેમાં દારૂ વેચનાર વ્યક્તિએ દારૂ બંધ કરવાનો રહેશે. તેમજ જો બંધ નહી કરે તો દંડ કરવામાં આવશે. તેમજ દારૂ પીનારે સ્વેચ્છાએ દારૂ પીવાનું બંધ કરવું પડશે. તેમ છતાં પણ જો ન માને તો દંડ કરવામાં આવશે. તેમજ દારૂ વેચનાર તથા પીનારે ગામ લોકોએ જે બંધારણ કરેલ છે તેમાં સહમત તેમજ તેમના ઘરે જઈ કોઈ પણ પ્રસંગ હોય ત્યારે જો બંધારણમાં નહી રહે તો ગામના કોઈ વ્યક્તિએ જવાનું રહેશે નહી. તેમજ કોઈ પણ પ્રસંગમાં તેમને બોલાવવાના રહેશે નહી.








































