ભૂતપૂર્વ લિબિયાના સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફીના સૌથી પ્રખ્યાત પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીનું હુમલામાં માર્યા ગયા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર, ૩ ફેબ્રુઆરીના રોજ પશ્ચિમી લિબિયન શહેર ઝિંટાનમાં તેમના ઘરે અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઝિંટાન રાજધાની ત્રિપોલીથી આશરે ૧૩૬ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે.
સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફી ભૂતપૂર્વ લિબિયન સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફીના અગ્રણી પુત્ર હતા. કર્નલ ગદ્દાફીની હત્યા બાદ ૫૩ વર્ષીય સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીને તેમના પિતા મુઅમ્મર ગદ્દાફીના સંભવિત ઉત્તરાધિકારી તરીકે જાવામાં આવતા હતા. ૧૯૬૯ થી ૨૦૧૧ સુધી લિબિયા પર શાસન કરનારા કર્નલ ગદ્દાફીના સાત પુત્રોમાંથી, સૈફ સૌથી પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત હતા. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પીએચડી મેળવી હતી અને પશ્ચિમી વિશ્વ સાથે સંબંધો સુધારવા માટે કામ કર્યું હતું. તેમણે ૨૦૧૧ ની લિબિયન ક્રાંતિ દરમિયાન તેમના પિતાની સરકારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યાં તેમણે વિરોધ પ્રદર્શનોને દબાવવામાં ભાગ લીધો હતો. ૨૦૧૧ માં ક્રાંતિ પછી તેને પકડવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
૨૦૧૫ માં, એક કોર્ટે સૈફ અલ-ઇસ્લામને તેની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. જાકે, બાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. ૨૦૨૧ માં, સૈફ અલ-ઇસ્લામએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા અને કાનૂની મુદ્દાઓને કારણે તે નિષ્ફળ ગયો હતો. તે છેલ્લા એક દાયકાથી ઝિંટનમાં રહેતો હતો અને લિબિયાના અસ્થિર રાજકારણમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની રાજકીય ટીમના સભ્ય અને સલાહકાર અબ્દુલ્લા ઓસ્માન અબ્દુર્રહીમે ફેસબુક પર એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી હતી કે ચાર માસ્ક પહેરેલા બંદૂકધારીઓએ બપોરના સુમારે સૈફ અલ-ઇસ્લામના ઘરે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પહેલા સુરક્ષા કેમેરાનો નાશ કર્યો અને પછી સૈફ અલ-ઇસ્લામ પર ગોળીબાર કર્યો. તેમની ટીમે તેને “કાયર અને વિશ્વાસઘાત હત્યા” ગણાવી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સૈફ અલ-ઇસ્લામ હુમલાખોરોનો સામનો કરી શક્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. લિબિયન એટર્ની જનરલ ઓફિસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે, પરંતુ હુમલા પાછળનો હેતુ કે લોકો હજુ સુધી સ્પષ્ટ નથી. કેટલાક અહેવાલો સૂચવે છે કે તે એક આયોજિત હુમલો હતો, જેમાં સુરક્ષા ઇરાદાપૂર્વક નબળી પાડવામાં આવી હતી.