ભારતની રાજધાની નવી દિલ્હીમાં હમણાં ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬’ સમાપ્ત થયું. આ દુનિયાની સૌથી મોટી એઆઈ સમિટમાં દુનિયાભરના આર્ટિફિશિયલ ઈન્ટેલલિજન્સ (AI )ના ધુરંધરો હાજર રહ્યા. ચેટજીપીટીના સેમ ઓલ્ટમેનથી માંડીને એન્થ્રોપિકના ડારિયો એમેડોઈ સુધીના ધુરંધરોની હાજરીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલલિજન્સ (AI )ના ભાવિ અને ભારતની ભૂમિકા વિશે મનોમંથન થયું.
આ ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬’માં ભારત અને અમેરિકાએ ‘પેક્સ સિલિકા’ ડિક્લેરેશન પર સહી પણ કરી. વિશ્વભરમાં સેમિકન્ડક્ટર અને AI ની સપ્લાય ચેઇનને સુરક્ષિત બનાવીને ચોક્કસ ‘નોન-ફ્રેન્ડલી’ દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટેની આ સમજૂતીમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇઝરાયેલ, દક્ષિણ કોરિયા, સિંગાપોર, યુએઈ, કતાર, ગ્રીસ અને યુકે ભાગીદાર છે.
આ ‘નોન-ફ્રેન્ડલી’ દેશો ચીન, બ્રાઝિલ રશિયા વગેરે છે. સેમી કન્ડક્ટર સેક્ટરમાં ચીનની દાદાગીરી છે. તેના કારણે અમેરિકાનાં આર્થિક હિતોને મોટો પડકાર છે. અમેરિકા પોતાનાં હિતો સાચવવા માટે બીજા દેશોનો ઉપયોગ કરતાં જરાય શરમાતું નથી. આ બેશરમીના ભાગરૂપે અમેરિકાએ પોતાના પીઠ્ઠુ દેશો સાથે મળીને ‘પેક્સ સિલિકા’ બનાવ્યું છે ને હવે ભારત પણ તેમાં ભાગીદાર છે.
‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬’ની સમાપ્તિ પછી ભારત સરકાર જોરમાં છે. મોદી સરકારે આ સમિટ દ્વારા ભારતે પોતાને ગ્લોબલ AI અને ચિપ મેન્યુફેક્ચરિંગના સૌથી મોટા ભાવિ હબ તરીકે રજૂ કર્યું છે. ભારત પાસે જંગી મેન પાવર છે કે જેમાંથી મોટા ભાગના યુવાઓ છે તેથી ભારત એઆઈ હબ બની શકે છે એવું સરકારને લાગે છે.
મોદી સરકારને લાગે છે કે, ‘ઇન્ડિયા છૈં ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬’માં ભારતનું જે ચિત્ર રજૂ કરાયું તેના કારણે ભારતમાં એઆઈ અને ચિપ મેન્યુફેક્ટરિંગના પ્લાન્ટ નાંખવા મોટી કંપનીઓ પડાપડી કરશે. આગામી બે વર્ષમાં ભારતમાંછૈં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ ટેકનોલોજીના ક્ષેત્રમાં ૨૦૦ અબજ ડોલરનું નવું રોકાણ આવશે તેથી ભારત એઆઈ હબ બની જશે. ૨૦૨૫ના વર્ષમાં ભારતમાં આવેલું કુલ સીધું વિદેશી રોકાણ (FDI) ૪૭ અબજ ડોલર હતું એ જોતાં મોદી સરકાર હવે પછીનાં બે વર્ષમાં વિદેશી રોકાણ ડબલ કરતાં પણ વધારે થઈ જશે એવી આશા રાખે છે. આ અંદાજ વાસ્તવિક છે કે ખાલી હવાઈ કિલ્લા છે ?
ભારત સાયન્સ અને ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલલિજન્સ (AI) સેક્ટરમાં અત્યારે ક્યાં છે, ભારતના યુવાઓ ટેકનોલોજીની હોડમાં વૈશ્વિક સ્તરે ટક્કર આપી શકે તેમ છે કે નહીં તેનો થોડોક અંદાજ મેળવીએ તો વાસ્તવિકતાની ખબર પડશે.
ભારત પાસે એઆઈ રેડી સ્કિલ્ડ યુવાઓ છે ?
ભારતની કુલ વસતીમાંથી ૬૫ ટકા લોકો યુવા છે અને તેમાંથી મોટા ભાગના ૩૫ વર્ષથી નીચેની ઉંમરના છે તેથી ભારત પાસે દુનિયામાં કોઈ દેશ પાસે ના હોય એવા યુવાનોનો મેન પાવર છે. આ યુવાનો કોઈ પણ ટેકનોલોજીને સરળતાથી અપનાવી લે છે તેથી ભારત પાસે એઆઈ રેડી સ્કિલ્ડ યુવાઓની મોટી ફોજ હોવાનો દાવો કરાય છે. ભારતની કોલેજોમાં પણ એઆઈને લગતા કોર્સ ચલાવીને જંગી પ્રમાણમાં સ્કીલ્ડ પર્સન્સ તૈયાર કરાઈ રહ્યા હોવાનો દાવો કરાય છે.
આ બધા દાવા સાંભળવામાં મજાના લાગે પણ ભારતની કોલેજોમાં ભણાવાતા એઆઈ કોર્સીસનું સ્તર શું છે એ ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬’માં ગલગોટિયા યુનિવર્સિટીના ભવાડાએ સાબિત કરી દીધું. ગ્રેટર નોઈડાની ગલગોટિયા યુનિવર્સિટીએ ઓનલાઈન ૩ લાખ રૂપિયામાં ખરીદેલા ચાઈનીઝ રોબો ડોગ ઓરિયનને પોતે વિકસાવ્યો હોવાનો દાવો કરીને ભારતીય ક્ષિક્ષણની વાસ્તવિકતાની પોલ ખોલી નાંખી.
ગલગોટિયા યુનિવર્સિટીધના ભવાડાએ સાબિત કર્યું કે, ભારતમાં બિલકુલ વ્યાપારી ધોરણે ચાલતી શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસૂલીને ખિસ્સાં ભરવામાં રસ છે. આ સંસ્થાઓમાં ખરેખર ઈનોવેશન કહેવાય એવું કશું થતું નથી. એઆઈ અત્યંત સ્પર્ધાત્મક સેક્ટર છે અને તેમાં આપણે ચકરાઈ જઈએ એવા નવા નવા આઈડિયા આવ્યા જ કરે છે પણ ભારતના શિક્ષણમાં તો ઈનોવેશનનું કલ્ચર જ નથી એ જોતાં શિક્ષણ દ્વારા એઆઈ રેડી સ્કીલ્ડ યુવાઓ તૈયાર થવાની બહુ આશા નથી.
ભારતના યુવાઓ સાયન્સ અને ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે ટક્કર આપી શકવા સક્ષમ નથી એ પણ સાબિત થયેલું છે. મોદી સરકાર છેલ્લાં આઠેક વર્ષથી ભારતના યુવાઓને સ્ટાર્ટ અપ્સ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપે છે. તેના કારણે ભારતમાં સ્ટાર્ટ અપ્સનો રાફડો ફાટ્યો છે અને લગભગ ૨ લાખ જેટલાં સ્ટાર્ટ અપ્સ શરૂ થયાં હોવાનો દાવો કરાય છે. આ પૈકી ઘણાં સ્ટાર્ટ અપ્સ સફળ થયાં છે. ૧૦૦ કરોડ ડોલરની વેલ્યુ ધરાવતાં સ્ટાર્ટ અપ્સને યુનિકોર્ન કહેવાય છે. ભારતમાં ૧૦૦થી વધારે યુનિકોર્ન હોવાનો દાવો પણ કરાય છે પણ આ બધાં સર્વિસ સેક્ટરનાં છે. ફિન ટેક, ઈ-કોમર્સ, કન્ઝ્યુમર, લોજિસ્ટિક્સ, મોબિલિટી વગેરે સેક્ટરના આ સ્ટાર્ટ અપ્સ સફળ થયાં કેમ કે ભારત પાસે ૧૫૦ કરોડની આસપાસ વસતી છે.
ભારતીયોએ યુનિકોર્ન બનાવ્યાં પણ યુનિક સ્ટાર્ટ અપ્સ નથી બનાવ્યાં. દુનિયામાં કોઈની પાસે ના હોય એવી ટેકનોલોજી ધરાવતું સ્ટાર્ટ અપ બનાવીને આખું દુનિયાને દંગ કરી દેવાયું હોય એવું એક પણ સ્ટાર્ટ અપ નથી. દુનિયામાં બીજે ચાલે જ છે એવાં ફિનટેક સહિતની ટેકનોલોજીનાં સ્ટાર્ટ અપ્સ બનાવવામાં પણ મહેનત લાગે જ પણ તેના કારણે આપણે ટેકનોલોજીમાં નિષ્ણાત છીએ એવું સાબિત થતું નથી.
આર્ટિફિશિયલ ઈન્ટેલલિજન્સ (AI) તો ક્ષેત્ર જ નવી નવી ટેકનોલોજીનું છે એ જોતાં તેમાં તો ઈનોવેશનની વધારે જરૂર પડે પણ મોટા ભાગના ભારતીયો પાસે ઈનોવેશન નથી. જેમની પાસે ઈનોવેશન છે તેમને તક મળે એવો માહોલ નથી.
ભારત સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલલિજન્સ (AI) ક્રાંતિ માટે સજ્જ છે ?
મોદી સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલલિજન્સ (AI)ને લગતી જાહેરાતો સતત કર્યા જ કરે છે. મોદી સરકારના મંત્રીઓ ભારતને સેમિ કન્ડક્ટર હબ બનાવવાના દાવા પણ કર્યા કરે છે પણ એ દિશામાં જે કામ થાય છે એ ઉપરછલ્લુ છે. વિદેશી કંપનીઓ ભારતમાં આવે, પોતાની ફેક્ટરીઓ નાંખે ને ઉત્પાદન કરીને રોજગારી આપે એ જ સરકારનું આયોજન છે.
એઆઈ સેક્ટરમાં પણ સરકારનું લક્ષ્ય એ જ છે. મોદી સરકારે હમણાં બજેટમાં છૈં ને વ્યૂહાત્મક રોજગાર આપનારું સેક્ટર ગણાવીને કેટલીક જાહેરાતો કરી. આ જાહેરાતોમાં છૈં કૌશલ્ય અને પ્રતિભા વિકાસ પર વધારે ધ્યાન અપાશે એવો દાવો કરાયો છે.
વૈશ્વિક સ્તરે છેલ્લાં કેટલાંક વરસોથી એક નવો શબ્દ ઓરેન્જ ઈકોનોમી રમતો થયો છે. ઓરેન્જ ઇકોનોમીને સર્જનાત્મક અર્થતંત્ર કહેવાય છે. તેમાં બૌદ્ધિક સંપત્તિ, માનવ સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક વારસાની મદદથી નાણાં કમાવવાની વાત છે. મીડિયા, ગેમિંગ, ડિઝાઇન, ફેશન વગેરે ઓરેન્જ ઈકોનોમીનો ભાગ છે.
મોદી સરકારે તેના બજેટમાં ઓરેન્જ ઇકોનોમીને પ્રાથમિકતા આપવાનો દાવો કર્યો છે. મતલબ કે, એનિમેશન, ગેમિંગ, ડિજિટલ કન્ટેન્ટ અને ઇમર્સિવ મીડિયા જેવા AI-સંચાલિત ક્ષેત્રોને પ્રાધાન્ય અપાશે. પ્રાધાન્ય અપાશે તેનો મતલબ, આ સેક્ટર્સમાં કશું નવું કરાશે એવો નથી પણ તેમાં કામ કરનારા લોકો તૈયાર કરાશે. એ માટે મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ (ૈંંઝ્ર્) દેશની ૧૫,૦૦૦ શાળાઓ અને ૫૦૦ કોલેજોમાંછૈં-કમ્બાઈન્ડ કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવશે. આ લેબ્સમાં એઆઈ આધારિત સ્કીલ્સ શીખવાડાશે અને તેના કારણે લગભગ ૨૦ લાખ નવી નોકરીઓ ઉત્પન્ન કરવાનો અંદાજ છે.
મોદી સરકારનું આ મોડલ ઈન્ફર્મેશન ટેકનોલોજી IICT જેવું છે. અત્યારે ભારતની ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ સહિતની મોટી આઈટી કંપનીઓ વિદેશી કંપનીઓના આઉટર્સોસિંગ પર નભે છે અને લાખો ભારતીયોને રોજગારી આપે છે. એક રીતે આ ભારતીયો વિદેશી કંપનીઓ માટે કામ કરતા મોડિફાઈડ લેબર્સ છે. વિદેશી કંપનીઓએ બનાવેલાં સોફ્ટવેર ચલાવવા સહિતનાં કામો કરીને એ લોકો રોજગારી મેળવે છે.
મોદી સરકાર એઆઈમાં પણ એવા મોડિફાઈડ લેબર્સ તૈયાર કરવા માગે છે એવું કહી શકાય. તેના કારણે ટૂંકા ગાળા માટે કદાચ રોજગારી મળી જાય પણ લાંબા ગાળે આ વ્યબહરચના ફાયદાકારક નથી.
એઆઈ આવ્યું તેના કારણે સૌથી મોટો ફટકો આઉટર્સોસિંગ પર નભતી ભારતીય આઈટી કંપનીઓને પડશે. ભવિષ્યમાં બીજું કંઈ નવું આવશે એટલે એઆઈ સેક્ટરની હાલત પણ એવી જ થશે એ જોતાં ભારતે લાંબો સમય ટકે ને આપણી પાસે જ હોય એવા આર્થિક વિકાસના વિકલ્પો પર ધ્યાન આપવું જોઈએ.








































