ભારત ફરી વર્લ્ડ ચેમ્પિયન બની ગયું. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ટી ૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતે વધુ એક આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી લીધી. ભારતે ત્રીજી વાર ટી ૨૦ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ પણ રચ્યો કેમ કે ત્રણ વાર ટી ૨૦ વર્લ્ડ કપ જીતનારી ભારત એક માત્ર ટીમ છે.
ભારતે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમા રમાયેલો ૨૦૦૭નો પહેલો ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યો પછી છેક ૧૭ વર્ષે ૨૦૨૪માં બીજી વાર ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. હવે ૨૦૨૬માં ત્રીજી વાર ટી ૨૦ વર્લ્ડ કપ જીતીને ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝને ટપી ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ બે વાર ટી ૨૦ વર્લ્ડ કપ જીતીને ભારતની હરોળમાં હતું પણ સૂર્યકુમાર યાદવની ટીમે ભારતને
ટી ૨૦ વર્લ્ડ કપ જીતાડીને વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડી દીધું.
સૂર્યકુમાર યાદવની ટીમે ફાઈનલમાં જબરદસ્ત પ્રભુત્વ સાથે રમીને ૨૫૫ રનનો સ્કોર ખડક્યો ને પછી ન્યુઝીલેન્ડને ૧૫૯ રનમા સંકેલી લઈને ૯૬ રને જીત મેળવી. ટી ૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે સૌથી મોટા અંતરથી જીતનો રેકોર્ડ બનાવ્યો. ફાઈનલમાં સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન અને શિવમ દૂબે બેટિંગમાં તો જસપ્રિત બૂમરાહ, અક્ષર પટેલ ભારતના હીરો સાબિત થયા. ભારતની ટીમે ફિલ્ડિંગ પણ જોરદાર કરીને કેટલાક અદભૂત કેચ પણ પકડ્‌યા.
આ જીત સાથે ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અપશુકનિયાળ હોવાની માન્યતાને પણ ખોટી સાબિત કરી. ૨૦૨૩માં વન ડે મેચોના વર્લ્ડકપની ફાઈનલમાં રોહિત શર્માની ભારતીય ટીમ ધોળકું કાઢીને માત્ર ૨૩૦ રનનો સ્કોર ખડકેલો. પેટ કમિન્સની ઓસ્ટ્રેલિયમ ટીમે રમતાં રમતાં આ સ્કોર ચેઝ કરીને ભારતને હાર આપેલી. એ પછી પણ ભારત અમદાવાદમાં હાર્યું છે. આ વર્લ્ડ કપમાં પણ ભારત એક માત્ર મેચ દક્ષિણ આફ્રિકા સામે હારેલું ને આ મેચ અમદાવાદમાં રમાયેલી તેથી ક્રિકેટ ચાહકો ચિંતામાં હતા પણ સૂર્યકુમાર યાદવની ટીમે સંપૂર્ણ પ્રભુત્વ સાથે રમીને તમામ આશંકાઓને દૂર કરી દીધી, મોદી સ્ટેડિયમ અપશુકનિયાળ હોવાની માન્યતાને ખોટી સાબિત કરી દીધી.
ભારતે આ જીત સાથે બીજા બે રેકોર્ડ પણ બનાવ્યા.
અત્યાર સુધી કોઈ ટીમ ઘરઆંગણે ટી ૨૦ વર્લ્ડ કપ નહોતી જીતી. મતલબ કે, યજમાન ટીમ કદી ટી ૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન નહોતી બની. ભારતે આ મહેણું ભાંગ્યું છે. આ ઉપરાંત બીજી કોઈ ટીમ સળંગ બે વાર ટી ૨૦ વર્લ્ડ કપ જીતી નહોતી. ભારતે એ મહેણું પણ ભાંગી દીધું.
ભારતે આ જીત સાથે છેલ્લી ત્રણેય આઈસીસી ટ્રોફી જીતીને પણ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ભારત ૨૦૨૪માં ટી ૨૦ વર્લ્ડ કપ, ૨૦૨૫માં ચેમ્પિયન્સ ટ્રોફી અને હવે ૨૦૨૬માં ટી ૨૦ વર્લ્ડ કપ એમ સળંગ ત્રણ આઈસીસી ટ્રોફી જીતનારી માત્ર બીજી ટીમ છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયા ૨૦૦૩ અને ૨૦૦૭ના એમ બે સળંગ વન ડે ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ અને ૨૦૦૬માં ચેમ્પિયન્સ ટ્રોફી એમ સળંગ ત્રણ આઈસીસી ટ્રોફી જીત્યું હતું. બીજો કોઈ દેશ આ પરાક્રમ કરી શક્યો નથી. બલ્કે ભારત, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સિવાય બીજી કોઈ ટીમ ત્રણથી વધારે આઈસીસી ટ્રોફી જ જીતી નથી.
આ ટી ૨૦ વર્લ્ડ કપ જીત સાથે સૂર્યકુમાર યાદવે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન્સની યાદીમાં પોતાનું નામ ઉમેરાવી દીધું. કપિલદેવ, મહેન્દ્રસિંહ ધોની, સૌરવ ગાંગુલી અને રોહિત શર્મા પછી સૂર્યકુમાર યાદવ ભારતને આઈસીસી ટ્રોફી જીતાડનારો પાંચમો ભારતીય કેપ્ટન બન્યો છે.
કપિલદેવે ભારતને ૧૯૮૩નો વર્લ્ડ કપ જીતાડ્‌યો હતો જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ ૨૦૦૭નો ટી ૨૦ વર્લ્ડ કપ , ર૦૧૧નો વન ડે ઈન્ટરનેશનલ વર્લ્ડકપ અને ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફી ભારતને જીતાડી હતી. રોહિત શર્માના નેતૃત્વમાં ભારત ૨૦૨૪માં ટી ૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૫માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું. ૨૦૦૨માં ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યાં ત્યારે સૌરવ ગાંગુલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા.
ભારત ઓસ્ટ્રેલિયાથી ૨ કદમ પાછળ છે.
ભારતે કુલ ૮ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC ) ટ્રોફી જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયા ૧૦ ટ્રોફી જીતીને સૌથી આગળ છે. ICC  ઇતિહાસમાં સૌથી સફળ ટીમ એવી ઓસ્ટ્રેલિયાની ટીમે છ વન ડે ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ, બે ચેમ્પિયન્સ ટ્રોફી, એક ટી ૨૦ વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે. ઓસ્ટ્રેલિયા એ રીતે પણ આગળ છે કે તમામ ICC ટાઇટલ જીતનારી એકમાત્ર ટીમ છે. ઓસ્ટ્રેલિયાએ ૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૫, ૨૦૨૩ એમ છ વાર વન ડે વર્લ્ડ કપ જીત્યા છે. ૨૦૨૧માં ટી ૨૦ વર્લ્ડ કપ, ૨૦૦૬ અને ૨૦૦૯માં ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૨૧-૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.
ભારતે વન ડે ઈન્ટરનેશન વર્લ્ડ કપ, ટી ૨૦ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી નથી. ભારતે અત્યાર સુધીમાં બે વન ડે ઈન્ટરનેશન (ICC ) વર્લ્ડ કપ (૧૯૮૩, ૨૦૧૧), બે ટી ૨૦ વર્લ્ડ કપ (૨૦૦૭, ૨૦૨૪), અને ત્રણ વાર ચેમ્પિયન્સ ટ્રોફી (૨૦૦૨ સંયુક્ત, ૨૦૧૩, ૨૦૨૫) જીતી છે.
ભારતે ૧૯૮૫માં મિનિ વર્લ્ડ કપ પણ જીત્યો હતો એ જોતાં
આભાર – નિહારીકા રવિયા ભારતની આ નવમી વૈશ્વિક ટ્રોફી છે. ભારત મિનિ વર્લ્ડકપ એવો બેન્સન એન્ડ હેજીસ કપ જીત્યો ત્યારે સુનિલ ગાવસકર કેપ્ટન હતા. આ સ્પર્ધાની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવેલું. ભારત સંપૂર્ણ પ્રભુત્વ સાથે રમેલું અને એક પણ મેચ હાર્યું નહોતું તેથી આ જીત પણ યાદગાર હતી પણ ૧૯૮૫માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બેન્સન એન્ડ હેજીસ ટુર્નામેન્ટનું આયોજન આઈસીસીએ નહોતું કર્યું પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે કર્યું હતું. આ કારણે આ જીતને આઈસીસીની સ્પર્ધાઓમાં સ્થાન નથી મળ્યું.
ભારત હવે વિશ્વ ક્રિકેટમાં અજેય છે ?
એક જમાનામાં વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો ડંકો વાગતો હતો. સ્ટીવ વો અને રીકી પોન્ટિંગના જમાનામાં ઓસ્ટ્રેલિયાને હરાવવાની કલ્પના પણ નહોતી થઈ શકતી. ઓસ્ટ્રેલિયા મેદાનમાં ઉતરે એટલે જીતીને જ પાછી ફરે એવો તેનો રેકોર્ડ હતો. ૧૯૯૯થી ૨૦૦૭ દરમિયાન મોટા ભાગની આઈસીસી સ્પર્ધાઓ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું પણ પછી ઓસ્ટ્રેલિયાનાં વળતાં પાણી શરૂ થયાં. ઓસ્ટ્રેલિયા હજુય મજબૂત ટીમ છે પણ પહેલાં જેવી તેની ધાક પણ નથી ને તેનો રેકોર્ડ પણ નથી.
હવે ભારતનો રેકોર્ડ એ પ્રકારનો થતો જાય છે.
ભારત છેલ્લાં ત્રણ વર્ષમાં ૩ આઈસીસી ટ્રોફી જીત્યું છે ને તેના કરતાં મહત્વની વાત એ છે કે, હવે આપણું ઘોડું દશેરાએ દોડે પણ છે. ભારત ૨૦૧૩માં ચેમ્પિયન ટ્રોફી જીત્યા પછી આઈસીસીની કોઈ મોટી ટુર્નામેન્ટ જીતી શકતું નહોતું તેથી ભારતના ક્રિકેટ પાવર વિશે શંકા થવા માંડી હતી. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ૨૦૧૧માં વર્લ્ડકપ જીત્યો પછી ૨૦૧૫, ૨૦૧૯ ને ૨૦૨૩માં વનડે મેચોનો વર્લ્ડકપ રમાયો પણ આપણે ભૂંડી રીતે હારેલા. ૨૦૦૭માં વર્લ્ડકપ જીત્યા પછી ૨૦૨૪ લગી ટી-૨૦ વર્લ્ડ કપ પણ નહોતા જીત્યા. આઈસીસીની મોટી સ્પર્ધાઓમાં ભારત છેક લગી પહોંચીને પાણીમાં બેસી જાય એવું છેલ્લાં ૧૧ વર્ષનાં વારંવાર બનતું. ૨૦૧૪ના ટી ૨૦ વર્લ્ડકપમાં શ્રીલંકા સામે ફાઈનલમાં આપણે માત્ર ૧૩૦ રન કરીને હારી ગયા હતા. ૨૦૧૫ના વર્લ્ડકપમાં સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભૂંડી રીતે હારી ગયેલા.
૨૦૧૬ના ભારતમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝે આપણને શરમજનક રીતે હરાવેલા. સેમી ફાઈનલમાં આપણે વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૯૪ રનનો સ્કોર ખડક્યા છતાં હાર ખમવી પડેલી. ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આપણા કટ્ટર હરીફ પાકિસ્તાન સામે હારીને સાવ નાક વઢાવી નાંખેલું. રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની સહિતના આપણા કહેવાતા સુપરસ્ટાર્સ સાવ વાહિયાત શોટ્‌સ મારીને આઉટ થયા તેમાં આપણા નામે શરમજનક હાર લખાઈ ગઈ હતી.
૨૦૧૯ના વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ૨૩૧ રન જેવો મામૂલી સ્કોર આપણે ચેઝ નહોતા કરી શક્યા. કોહલી સહિતના ટોપ ઓર્ડરે ધોળકું કાઢતાં આપણે શરમજનક રીતે હારેલા. ૨૦૧૯માં ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે બેજવાબદારીભરી બેટિંગ કરીને કોહલીની ટીમ હારી ગયેલી. એ ૨૦૨૩નાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આ ઈતિહાસ દોહરાવાયેલો.
૨૦૨૧ના વર્લ્ડકપમાં લીગ મેચમાં પાકિસ્તાન સામે હારીને ભારત ઘરભેગું થયેલું અને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે નહીં હારવાનો રેકોર્ડ તૂટી ગયેલો. ૨૦૨૨ના વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને ટી ૨૦ વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી શરમજનક પરાજય આપીને ૧૦ વિકેટે હરાવેલું. ભારતે ૧૬૮ રન બનાવ્યા હતા પણ આ સ્કોરને ઈંગ્લેન્ડે ૧૬ ઓવરમાં જ પાર પાડી દીધો હતો. ૨૦૨૩માં વન ડે મેચોના વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ખરાબ રીતે હારી ગયેલું.
છેલ્લી ત્રણ ટુર્નામેન્ટથી આ સિલસિલો તૂટ્યો છે. હવે ભારત જીતના નિર્ધાર સાથે જ ઉતરતું હોય એવું લાગે છે. તેના કારણે ભારત સળંગ જીતે છે ત્યારે આ વર્ચસ્વ વરસો સુધી જળવાય અને ભારત નવા નવા વર્લ્ડ રેકોર્ડ બનાવે એવી આશા છે.