આઇસીસી દ્વારા નવીનતમ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.આઇસીસી વનડે રેન્કિંગમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. તાજેતરમાં વેસ્ટ ઈન્ડીઝ અને આયર્લેન્ડ વચ્ચે એક વનડે શ્રેણી રમાઈ હતી. આ ૩ મેચની શ્રેણી ૧-૧ થી બરાબર રહી હતી. આયર્લેન્ડે એક મેચ જીતી હતી જ્યારે વેસ્ટ ઈન્ડીઝે એક મેચ જીતી હતી. તે જ સમયે, વરસાદને કારણે એક મેચ રદ કરવામાં આવી હતી. આ શ્રેણી પછી,આઇસીસી વનડે રેન્કિંગ અપડેટ કરવામાં આવ્યું છે, જેમાં ઘણી ઉથલપાથલ જોવા મળી છે.

૪ બોલરોએ એક-એક સ્થાનનો ઉછાળો નોંધાવ્યો છે, જેમાં ભારત અને ન્યુઝીલેન્ડના એક-એક બોલર અને ઓસ્ટ્રેલિયાના ૨ બોલરનો સમાવેશ થાય છે. ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજા એક સ્થાનના ઉછાળા બાદ હવે ૮મા સ્થાને પહોંચી ગયો છે. જાડેજા ઉપરાંત, ન્યુઝીલેન્ડના મેટ હેનરી પણ એક સ્થાનના ફાયદા સાથે ૭મા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના એડમ જામ્પા અને જાશ હેઝલવુડ અનુક્રમે ૯મા અને ૧૦મા સ્થાને પહોંચી ગયા છે. બંનેએ એક-એક સ્થાનનો ઉછાળો નોંધાવ્યો છે. જોકે, વેસ્ટ ઈન્ડીઝનો ગુડાકેશ મોતી ૪ સ્થાન ગુમાવ્યા બાદ ટોપ-૧૦ યાદીમાંથી બહાર નીકળી ગયો છે. ટોપ-૧૦  વનડે બોલરોમાં ભારતના ૨ બોલર છે.

બોલરોની વનડે રેન્કિંગમાં ટોપ-૬ માં કોઈ ફેરફાર થયો નથી. શ્રીલંકાના મહેશ થેકશાના ટોચ પર યથાવત છે. તેના ૬૮૦ રેટિંગ પોઈન્ટ છે. ભારતના કુલદીપ યાદવ બીજા અને દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ ત્રીજા સ્થાને છે. નામિબિયાના બર્નાર્ડ સ્કોલ્ટ્‌ઝ ચોથા અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન પાંચમા સ્થાને છે. ન્યુઝીલેન્ડના મિશેલ સેન્ટનર છઠ્ઠા સ્થાને યથાવત છે.

જો આપણે બેટ્‌સમેનોના વનડે રેન્કિંગની વાત કરીએ તો, ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલનું ટોચ પર વર્ચસ્વ યથાવત છે. ગિલ ૭૮૪ રેટિંગ પોઈન્ટ સાથે નંબર-૧ વનડે બેટ્‌સમેન છે. ટોપ-૧૦ બેટ્‌સમેનોમાં ભારતના ૩ મજબૂત બેટ્‌સમેનનો સમાવેશ થાય છે. રોહિત શર્મા ત્રીજા સ્થાને છે અને વિરાટ કોહલી ૫મા સ્થાને છે. બંને બેટ્‌સમેનોએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે. હવે રોહિત અને વિરાટ ફક્ત વનડે રમતો જાવા મળશે. ટોપ-૧૦માં ત્રીજા ભારતીય શ્રેયસ ઐયર છે, જે ૮મા સ્થાને યથાવત છે.