ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન સામાન્ય રીતે જનતાના પાયાના પ્રશ્નો ગાજતા હોય છે, પરંતુ તાજેતરમાં એક અનોખો કિસ્સો જાવા મળતા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી ૨૦ વર્લ્ડ કપની ફાઈનલ મેચની ટિકિટ ન મળવા બાબતે સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યએ ગૃહમાં પોતાની વ્યથા ઠાલવતા રાજકારણ ગરમાયું છે.
ગુજરાત વિધાનસભામાં વિવિધ વિભાગોની માંગણીઓ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભાજપના ધારાસભ્ય ડો. અરવિંદ પટેલે રમત-ગમત મંત્રી સામે બળાપો કાઢતા કહ્યું હતું કે, “અમને મેચની ટિકિટો મળી નથી.” તેમણે રજૂઆત કરી હતી કે રમત-ગમત મંત્રી પણ ધારાસભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરી શક્ય નથી. જાકે, પાછળથી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ રજૂઆતને ‘રમૂજ’ ગણાવી હતી અને ઓનલાઇન સિસ્ટમના કારણે મુશ્કેલી પડી હોવાનું સ્વીકાર્યું હતું.
ધારાસભ્યની આ રજૂઆત બાદ પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ દરમિયાનગીરી કરી હતી. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે અમદાવાદ કે ગુજરાતમાં ભવિષ્યમાં જ્યારે પણ મોટી મેચો યોજાય, ત્યારે ધારાસભ્યોને પ્રાથમિકતાના ધોરણે ટિકિટ મળે તે માટે નાયબ મુખ્યમંત્રી સાથે વાત કરવામાં આવી છે. ફાઈનલ જેવી પ્રતિષ્ઠિત મેચોમાં જનપ્રતિનિધિઓને હાજર રહેવા મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપવામાં આવી છે. રમત-ગમત વિભાગ તરફથી હકારાત્મક પ્રતિસાદ આપતા જણાવાયું હતું કે આગામી સમયમાં આવા મોટા આયોજનોમાં તમામ ધારાસભ્યોનું ધ્યાન રાખવામાં આવશે.
ભાજપના ધારાસભ્યની આ રજૂઆત બાદ વિપક્ષી નેતાઓએ સરકારને આડે હાથ લીધી હતી. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે આકરા પ્રહાર કરતા કહ્યું કે, “કરોડો રૂપિયાના ખર્ચે બનેલા વિધાનસભા ભવનમાં બેસીને ધારાસભ્યોએ પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના હોય, નહીં કે ક્રિકેટ મેચની ટિકિટની ચિંતા કરવાની. કૃષિ મંત્રી પણ ટિકિટ અપાવવાનું આશ્વાસન આપે તે આશ્ચર્યજનક છે. સરકારે શાળાઓમાં બાળકોને અને હોસ્પિટલ માં દર્દીઓને એડમિશન મળે તેની ચિંતા કરવાની જરૂર છે.”
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ ભાજપના ધારાસભ્યોને ‘લાચાર’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ગૃહમાં જનતાના પ્રશ્નો કરતાં ટિકિટની ચર્ચા વધુ થઈ રહી છે. સરકારે ટિકિટના કાળાબજાર અને ડુપ્લીકેટ ટિકિટ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જાઈએ. અન્ય રાજ્યોમાંથી આવેલા ક્રિકેટ પ્રેમીઓ પણ નકલી ટિકિટનો ભોગ બન્યા છે, જે ગંભીર બાબત છે.
મહત્વનું છે કે, એક તરફ જ્યારે પોલીસ ડુપ્લીકેટ ટિકિટના કૌભાંડમાં અનેક લોકોની ધરપકડ કરી રહી છે, ત્યારે બીજી તરફ વિધાનસભામાં લોકપ્રતિનિધિઓ દ્વારા ટિકિટની માંગણી થવી તે ચર્ચાનો વિષય બન્યો છે. જનતામાં પણ એવી ચર્ચા છે કે ધારાસભ્યોએ મનોરંજનને બદલે લોકોની પાયાની જરૂરિયાતો પર વધુ ધ્યાન આપવું જાઈએ.









































