એક તરફ, ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની મોટા ઉપાડે? વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યાં છે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એકથી વધુ વખત મંત્રી રહી ચૂકેલા ઈડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ખોટા દસ્તાવેજા રજૂ કરી ખેડૂત બન્યાં છે. રમણ વોરાએ ખોટા દસ્તાવેજા આધારે ગાંધીનગર જીલ્લાના પાલેજ ખાતે ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદી છે તેવા આક્ષેપ કરાયો છે.
આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા માટે મુખ્યમંત્રી સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ, મહામંત્રી રત્નાકર ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરવામાં આવી છે. સાથે સાથે એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, જા સરકારી તંત્ર પગલાં નહી ભરે તો, ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.
વર્ષ ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રમણ વોરાએ એફિડેવિટ રજૂ કરી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે સર્વે નંબર ૨૬૧માં ચાર એકર ત્રેવીસ ગુંઠા ખેતીની જમીન દર્શાવી છે જે શંકાસ્પદ છે. આ એફિડેવિટમાં એ વાત પણ દર્શાવાઇ છેકે, આ મિલકત વારસામાં મળી નથી. જો વારસામાં મળી ન હોય તો પછી ખેતીની જમીન આવી ક્યાંથી એ સવાલ ઉઠ્‌યો છે.લેખિત ફરિયાદમાં આક્ષેપ કરાયો ૨૦૧૭માં ખેતીની જમીન પૂનમભાઈ કાળાભાઈ, હિતેશભાઈ કાંતિલાલ અને રમણભાઈ ઈશ્વરભાઈના નામે ધારણ કરાઈ છે. નવાઈની વાત એછેકે, આ જમીન દસ્તાવેજમાં અટક જ લખાયેલી નથી. ધારાસભ્યનું નામનુ નામ છે પણ વોરા અટક જ દર્શાવાઈ નથી. નવાઇની વાત તો છેકે, વર્ષ ૨૦૧૬માં બે જમીન માલિક પૂનમભાઈ અને હિતેશભાઈ! પોતાનો હક જતો કરે છે. આવુ કેવી રીતે શક્ય બને?
આ ઉપરાંત અત્યાર સુધી આ જમીનના દસ્તાવેજમાં એકેય જમીનધારકની અટકનો ઉલ્લેખ ન હતો ત્યારે તા. ૧૨ એપ્રિલ ૨૦૧૬ના રોજ દસ્તાવેજમાં કુસુમબેન રમણલાલ વોરા, સુહાગ રમણલાલ વોરા અને ભૂષણ રમણલાલ વોરા સીધી લીટીના વારસદાર બની જાય છે. આમ, વર્ષ ૨૦૧૬માં ખેતીની જમીનના દસ્તાવેજામાં અટક જ ન હતી ત્યારે વર્ષ ૨૦૧૭ અચાનક જ ‘વોરા’ અટકનો ઉલ્લેખ સાથે ભાજપના ધારાસભ્યનો પરિવાર ખેડૂત બની ગયો. આ ઘટના ઉજાગર થાય તે પહેલાં રમણ વોરાએ તા. ૧૪મી માર્ચ, ૨૦૨૪ના રોજ રૂ.૫.૪૨ કરોડમાં જમીન વેચી દીધી હતી.
મહત્વની વાત તો એછે કે, રમણ વોરા ધારાસભ્યની વગના જારે ખેડૂતના પુરાવાની પ્રમાણિક નકલો મળી ન શકે તે માટે ઘણાં જ ધમપછાડા કરી રહ્યાં છે. આ મામલે જાહેર માહીતી આયોગ, ગાંધીનગર સુધી આરટીઆઈ સુદ્ધાં કરવામાં આવી છે પણ હજુ જવાબ મળી શક્યો નથી. ખોટા દસ્તાવેજા આધારે ખેડૂત બનેલાં ધારાસભ્ય રમણ વોરાએ ઇડર તાલુકાના દાવડ ગામમાં પણ સર્વે નંબર- ૫૪૮,૫૪૯,૫૮૧,૫૫૧માં કુલ ૮ હેક્ટર ખેતીની જમીન ખરીદી હોવાનો અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.
ઇડર ધારાસભ્ય રમણ વોરાએ વર્ષ ૧૯૯૫, વર્ષ ૧૯૯૮ અને વર્ષ ૨૦૦૨માં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ સાથે રજૂ કરેલાં એફિડેવિટમાં ખેતીની જમીનનો ઉલ્લેખ કર્યો છે કે કેમ? તેની પણ પ્રમાણિત માહિતી આપવામાં આવતી નથી. આ કારણોસર હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા પણ તૈયારી કરવામાં આવી છે.
આમ જનતા ગુનો કરે તો, સરકાર પગલાં લેતાં ખચકાતી નથી પણ હવે જયારે ખુદ પ્રજાના ચૂંટાયેલાં જનપ્રતિનિધી ખેતીલક્ષી લાભ મેળવવા ખોટા ખેડૂત બને તો પગલાં લેવાશે કે કેમ? તે મત વિસ્તારની જનતા સવાલ ઉઠાવી રહી છે.