કીર સ્ટાર્મરના નેતૃત્વ હેઠળની યુકે સરકારે એક મોટું ઐતિહાસિક પગલું ભર્યું છે અને મતદાનની ઉંમર ઘટાડીને ૧૬ વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે હવે બ્રિટનમાં આગામી સામાન્ય ચૂંટણીઓમાં, ૧૬ અને ૧૭ વર્ષના તમામ કિશોરો પણ મતદાન કરી શકશે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં મતદાનની ઉંમરમાં છેલ્લો ફેરફાર ૧૯૬૯ માં કરવામાં આવ્યો હતો, જ્યારે તેને ૨૧ થી ઘટાડીને ૧૮ વર્ષ કરવામાં આવ્યો હતો.
વડા પ્રધાન કીર સ્ટાર્મરની સરકારે કહ્યું હતું કે આ ફેરફાર સંસદની મંજૂરી પછી લાગુ કરવામાં આવશે. સરકાર કહે છે કે તે ૧૬-૧૭ વર્ષની ઉંમરના યુવાનોને પણ પોતાના વિચારો વ્યક્ત કરવાની તક આપશે. આ ઉંમરના ઘણા યુવાનો પહેલાથી જ સેનામાં સેવા આપી રહ્યા છે.
નાયબ વડા પ્રધાન એન્જેલા રેનરે
કહ્યું, “ઘણા લાંબા સમયથી, આપણા લોકશાહીમાં જનતાનો વિશ્વાસ ઓછો થયો છે અને આપણી સંસ્થાઓમાં વિશ્વાસ ઓછો થયો છે. બ્રિટનના લોકશાહીમાં વધુ લોકોને જાડાવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે ભાગીદારીમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પગલાં લઈ રહ્યા છીએ. અમે ૧૬ વર્ષના યુવાનોને મતદાનનો અધિકાર આપવાના અમારા મેનિફેસ્ટોના વચનને પૂર્ણ કરી રહ્યા છીએ.”
તેમણે કહ્યું કે વય મર્યાદા સંબંધિત ફેરફારો લાગુ કરીને, અમે યુવાનોને મુખ્ય પ્રવાહના રાજકારણમાં જાડાવાની મોટી તક આપી રહ્યા છીએ. એક મોટા ફેરફારમાં, મતદાર ઓળખપત્રમાં બ્રિટિશ સરકાર દ્વારા જારી કરાયેલા બેંક કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ અને વેટરન કાર્ડ જેવા હાલના ડિજિટલ ઓળખપત્રોનો પણ સમાવેશ થશે. આનાથી વધુને વધુ લોકો તેમના લોકશાહી અધિકારનો ઉપયોગ કરી શકશે.હાલમાં, વિશ્વના મોટાભાગના દેશોની જેમ, બ્રિટનમાં પણ કાયદેસર મતદાનની ઉંમર ૧૮ વર્ષ છે.
૧૬ અને ૧૭ વર્ષના બાળકોને મતદાનનો અધિકાર આપવા પાછળનો તર્ક એ છે કે આ ઉંમર સુધીમાં લોકો કામ કરવાનું, કર ભરવાનું અને સૈન્યમાં સેવા આપવાનું શરૂ કરે છે. લોકશાહી મંત્રી રૂશનઆરા અલીએ કહ્યું કે આ પગલું “બ્રિટનના લોકશાહીમાં જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને ભાગીદારી વધારવા તરફ એક પેઢીગત પગલું” હશે.
નવા નિયમો અમલમાં આવ્યા પછી, બ્રિટન એવા પસંદગીના દેશોમાં જાડાશે જે કિશોરોને મતદાન કરવાની મંજૂરી આપે છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોને મતદાનનો અધિકાર આપનારા દેશોમાં ઇન્ડોનેશિયા (૧૭), ઉત્તર કોરિયા (૧૭), ગ્રીસ (૧૭), તિમોર-લેસ્ટે (૧૭), બ્રાઝિલ (૧૬), આર્જેન્ટેના (૧૬), એક્વાડોર (૧૬), ક્યુબા (૧૬), ઓસ્ટ્રેલીયા (૧૬), નિકારાગુઆ (૧૬), માલ્ટા (૧૬) અને આઇલ ઓફ મેન (૧૬)નો સમાવેશ થાય છે.