કહેવાય છે કે બાળક એ તો ઈશ્વરની વાડીનું ફૂલ છે. અને આ ફૂલ લગભગ દરેકના ઘરે ખીલતું જ હોય છે. પણ આજે આ ફૂલને આપણે જાતે જ નિર્મમતાથી પીંખી નાખીએ છે. આજે મોટા ભાગના માતા- પિતા પોતાનું બાળક કે જે હજુ બરાબર બોલતા પણ નથી શીખ્યું, તેને જુનિયર કે.જી. અને સિનિયર કે.જી.માં મૂકી દે છે. આવા માતા- પિતાને એટલું તો હું જરૂર કહીશ કે તમારું બાળક તો સમર્થ છે જ પણ તમે અસમર્થ છો માટે તમે એને અત્યારથી જ મુરઝાવા માટે મૂકી દીધો છે. ખરેખર આ બાબત ધિક્કારવા જેવી છે. કારણ કે આપણે ભલે બાળકના માતા- પિતા હોઈએ. પણ આપણને એવો કોઈ અધિકાર નથી કે આપણે બાળકનું બાળપણ છીનવી લઈએ.
બાળકને ૨ વર્ષથી ભણવા માટે મૂકીએ છે તો તે સારો ડોકટર, કે અન્જીનિયર બની તો જાય, પણ કદાચ તે સારો પુત્ર, પિતા કે પતિ નહીં બની શકે. એક મહાન ઋષિએ સરસ વાત કરી છે કે તમે તમારા બાળકને ૬ વર્ષનું થાય ત્યાં સુધી તેને ખૂબ પ્રેમ કરો. ત્યાર બાદ ૬ વર્ષથી ૧૬ વર્ષ સુધી તમે તેના માટે કઠોર બની જાવ અને ૧૬ વર્ષ પછી તમે તમારા બાળકના સારા મિત્ર બની જાવ. પણ આજે આમાનું કઈ પણ રહ્યું નથી. કદાચ એટલા માટે જ આજે ઘરડા ઘરની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. શાસ્ત્ર એવું કહે છે તમે તમારા સંતાનને યોગ્ય અને સારા સંસ્કાર ન આપી શકતા હોવ તો બાળક પેદા કરવાનું વિચારશો જ નહીં.
એક આદર્શ કુટુંબથી આદર્શ સમાજ, દેશ અને આદર્શ સંસ્કૃતિનું નિર્માણ થાય છે. માટે એક આદર્શ કુટુંબના નિર્માણ માટે પ્રાથમિકતા છે એક આદર્શ બાળક. કારણ કે બાળક જ આવતીકાલનું ભવિષ્ય છે. આજે તે જે કંઈ પણ જોવે છે, જે કંઈ પણ શીખે છે, સમય આવતા તે તમારી સાથે પણ એજ કરશે જે તેમણે જોયું છે. માટે બાળક નામના ફુલને કરમાવા ના દઈએ અને તેમને પૂરતું ખીલવાની તક આપીએ. ત્યારબાદ આદર્શ કુટુંબ બનાવીએ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ જઈએ. વંદેમાતરમ.