બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે કુલ રૂ.૭.૮૦ કરોડના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઇ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યોથી બાબરા તાલુકાના અનેક ગામોમાં પ્રગતિની નવી દિશા ખુલશે. વિકાસ કામોની વિગત મુજબ, અમરવાલપુર ગામે રૂ.૨૩ લાખના ખર્ચે તળાવ રિપેરિંગ અને મિયા ખીજડીયા ગામે રૂ.૩૮ લાખના ખર્ચે બંધારા રિપેરિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. માર્ગ સુવિધા અંતર્ગત ગમા પીપળીયા-ચમારડી રિસર્ફેસિંગ રોડ માટે રૂ.૨.૧૦ કરોડ અને ગમા પીપળીયા-મિયા ખીજડીયા રોડ માટે રૂ.૯૦ લાખના કામોનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત, લોનકોટડા ગામે રૂ.૧.૮૦ કરોડના ખર્ચે માઇનોર બ્રિજ, ખાનપર ગામે રૂ.૨૨.૫૦ લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ અને રાયપર ગામે રૂ.૨.૪૦ લાખના ખર્ચે સી.સી. રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, બાબરા તાલુકા ભાજપ પ્રમુખ, સંગઠન મહામંત્રીઓ, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્થાનિક લોકોએ પાયાની સુવિધાઓ પૂરી પાડવા બદલ ધારાસભ્ય અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.