બાબરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા તથા નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિવારણ લાવવા માટે શનિવારે અમરાપરા પે સેન્ટર શાળા ખાતે “સેવાસેતુ કાર્યક્રમ ૨.૦” કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સુરેશભાઈ ધાખડા અને અધિકારીઓ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં અમરાપરા સહિત લુણકી, હાથીગઢ, વાંડલીયા, ઇંગોરાળા, કુંવરગઢ, ભીલા, ભીલડી, અમરવાલપુર, પીરખીજડીયા, દરેડ, નાની કુંડલ, ખાખરિયા અને ગળકોટડી સહિતના ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા નાગરિકોને અનેક સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં આવક તથા જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ-કમી તથા સુધારા, ઈ-KYC કામગીરી, આધારકાર્ડ સંબંધિત કામગીરી, PMJAY અંતર્ગત આરોગ્ય સહાય,
કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ તથા આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અંગે માહિતી અને લાભ આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર અને વૃદ્ધ વય વંદના સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જન્મ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી, મિલ્કત આકારણીના ઉતારા, નવા વીજ જોડાણ તથા બેંકિંગ સેવાઓ સંબંધિત કામગીરી પણ સ્થળ પર જ કરવામાં આવી હતી.







































