અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં લામધાર નદીના પરાવિસ્તારને જોડવા માટે પાંચ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાય તે પહેલાં જ ધરાશાયી થયો છે. આ પુલનું નિર્માણ કાર્ય માંડ દસેક દિવસ પહેલા જ પૂર્ણ થયું હતું, પરંતુ પુલ પર માટીકામની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન જ આખું માળખું એકાએક બેસી ગયું હતું. આ ઘટનાને પગલે વિકાસ કામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પુલના નિર્માણમાં અત્યંત હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે પુલ વપરાશ પૂર્વે જ તૂટી પડ્યો છે. ગ્રામજનોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે આમાં મિલીભગત હોવાની શંકા વ્યક્ત કરી છે. હાલ આ મામલે તાત્કાલિક અને નિરપેક્ષ તપાસ કરીને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે.







































