બગસરામાં થોડા દિવસ પહેલા ભાજપના કાર્યક્રમ દરમ્યાન સતવારા સમાજના આગેવાનને સ્ટેજ પરથી નીચે ઉતારવા મુદે ભાજપમાં ઉકળતો ચરૂ જોવા મળ્યો છે અને આ મુદ્દે શહેરમાં પત્રિકાઓ ફરતી થઈ છે. અગાઉ ભાજપ દ્વારા સતવારા સમાજ અને કોળી સમાજના કાર્યક્રમમાં ભાજપના આગેવાન અને સતવારા સમાજના ઉપપ્રમુખ દિનેશભાઈ હડીયલને બગસરા ભાજપના આગેવાન એ.વી. રીબડીયા દ્વારા સ્ટેજ પરથી નીચે ઉતારવા મુદ્દે વિવાદ થયો હતો. જોકે, આ ઘટના અંગે એ.વી. રીબડીયાએ ખુલાસો પણ આપી દીધો હતો અને આવી કોઈ ઘટના બની ન હોવાની સ્પષ્ટતા પણ કરી દીધી હતી છતાં પણ આ ઘટનાને લઈને બગસરામાં પત્રિકા પણ વહેતી થઈ છે. તેમાં એ.વી. રીબડીયાને ભાજપમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. જાકે, આ પત્રિકા કોણે બહાર પાડી તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આજના ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે પણ સતવારા સમાજની પાંખી હાજરી જોવા મળી હતી. તેથી આ મુદ્દો ફકત બગસરા શહેર પૂરતો મર્યાદીત રહે છે કે અન્ય સ્થળોએ પણ ફેલાય છે તે જોવાનું રહ્યું.